23.45 કરોડ જીતવા આજે પહેલું બ્યૂગલ વાગશે

નાગપુરઃ એશિયાની લડાઈ ખતમ થઈ ગઈ અને હવે ટી-૨૦ના વિશ્વ વિજેતા બનવા માટે માટે મહાયુદ્ધની આજથી શરૂઆત થઈ રહી છે. વિશ્વ કપ વિજેતા ટીમને મળનારી રકમમાં આ વખતે વધારો કરવામાં આવ્યો છે. હવે પુરુષોની વિજેતા ટીમને ૩.૫ મિલિયન ડોલર (૨૩.૪૫ કરોડ રૂપિયા) મળશે. વિશ્વની ટોચની આઠ ટીમ ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝના યોદ્ધા જંગમાં ઊતરવા માટે તૈયાર છે. આમની સામે બે અન્ય દેશ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લડાકુઓનો પણ પડકાર રહેશે.

ટી-૨૦ વિશ્વ કપની શરૂઆત પહેલાં ભારતે એશિયા કપ જીતીને પ્રબળ દાવેદારી રજૂ કરી છે. આજે ભારત પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામેની મેચથી કરશે. નાગપુરમાં સાંજે ૭.૩૦થી આ ઉદ્ઘાટન મેચ શરૂ થશે. શ્રીલંકા ગત વખતની વિજેતા ટીમ છે, પરંતુ તાજેતરનું તેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. જો ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમની વાત કરવામાં આવે તો તે વન ડે વિશ્વ કપમાં ભલે સૌથી વધુ વાર ચેમ્પિયન બન્યું હોય, પરંતુ હજુ સુધી તેણે ટી-૨૦ વિશ્વ કપ એકેય વાર જીત્યો નથી. ભારતે ૨૦૦૭માં, પાકિસ્તાને ૨૦૦૯માં, ઈંગ્લેન્ડે ૨૦૧૦માં, વેસ્ટ ઇન્ડીઝે ૨૦૧૨માં અને શ્રીલંકાએ ૨૦૧૪માં ટી-૨૦ ખિતાબ જીત્યો હતો.

નાગપુરની પીચ ટીમ ઇન્ડિયાને જીત અપાવશે
ટી-૨૦ વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ એકમાત્ર એવી ટીમ છે, જેને ટીમ ઇન્ડિયા ક્યારેય હરાવી શકી નથી. અત્યાર સુધી રમાયેલી ચારેય મેચમાં ભારતીય ટીમને પરાજયનો જ સામનો કરવો પડ્યો છે, પરંતુ નાગપુરમાં ટીમ ઇન્ડિયાને પહેલી વાર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જીત મળી શકે છે. ટીમ ઇન્ડિયાને જીત અપાવશે નાગપુરની પીચ. અહીં બેટ્સમેનો માટે બેટિંગ કરવી આસાન નહીં હોય.

વર્લ્ડ ટી-૨૦ ક્વોલિફાયર મેચમાં અહીં અત્યાર સુધીમાં લો સ્કોરિંગ મેચ રહી છે. અહીં રમાયેલી છ મેચમાં ફક્ત બે વાર જ ૧૭૦નો આંકડો પાર થઈ શક્યો છે એટલું જ નહીં, એ મેચમાં સ્પિન બોલર્સને પીચમાંથી બહુ જ મદદ મળી હતી. ખાસ કરીને લેગ સ્પિનર્સને અને ડાબોડી બોલર્સને. પાછલી છ મેચમાં અહીં ૩૪ વિકેટ ઝડપી છે. આ આંકડાને જોયા બાદ ટીમ ઇન્ડિયા આજે ત્રણ સ્પિનર સાથે મેદાન પર ઊતરે તો કોઈને નવાઈ નહીં લાગે.

પહેલી બેટિંગ કરવી વધુ સારી
નાગપુરમાં પહેલી બેટિંગ કરવી વધુ સારી સાબિત થઈ શકે છે અને આ વાત અહીં દર્શાવેલા આંકડાથી સ્પષ્ટ થઈ જાય છે. નાગપુરમાં રમાયેલી સાત ટી-૨૦ મેચમાં પાંચ વાર પહેલી બેટિંગ કરનારી ટીમે જીત હાંસલ કરી છે. વર્લ્ટ ટી-૨૦માં પણ પાછલી છ મેચમાંથી ચાર મેચમાં પહેલી બેટિંગ કરનારી ટીમે બાજી મારી હતી. ટીમ ઇન્ડિયાએ અહીં એકમાત્ર ટી-૨૦ મેચ ૨૦૦૯માં શ્રીલંકા સામે રમી હતી, જેમાં ભારતને ૨૯ રનથી પરાજય થયો હતો.

You might also like