T-20 વર્લ્ડકપઃ પાક. ટીમ મુંબઈ-નાગપુરમાં નહીં રમી શકે

નવી દિલ્હીઃ આગામી વર્ષે ભારતમાં યોજાનાર ટી-૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમ મુંબઈ અને નાગપુરમાં નહીં રમી શકે. મહારાષ્ટ્ર સરકારને ડર છે કે પાક. ટીમની મેચ અહીં યોજાય તો શિવસેના જેવા પક્ષો કાયદો-વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર સરકાર અને બીસીસીઆઇના ટોચના અધિકારીઓ વચ્ચેની એક બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.અખબારના જણાવ્યા અનુસાર બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે અનુરાગ ઠાકુરે મહારાષ્ટ્ર સરકાર સાથે વાત કરી છે. સરકારે પાકિસ્તાનની મેચ યોજવામાં અસમર્થતા વ્યક્ત કરીને જણાવ્યું કે એનાથી રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. મહારાષ્ટ્ર સરકાર સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર અમે એ નક્કી કરીશું કે પાકિસ્તાન વાનખેડે કે નાગપુરમાં કોઈ મેચ ન રમે. ફાઇનલ કોલકાતામાં યોજાશે અને ત્યાં કોઈ મુશ્કેલી નથી.ઉલ્લેખનીય છે કે શિવસેના પાકિસ્તાની ખેલાડીઓના ભારતમાં રમવાનો વિરોધ કરી રહી છે. તેણે ગત વર્ષે મહારાષ્ટ્રમાં કબડ્ડી અને હોકી મેચોમાં પાક. ખેલાડીઓના ભાગ લેવા વિરુદ્ધ પ્રદર્શન પણ કર્યાં હતાં. આઇસીસી ટી-૨૦ વર્લ્ડકપનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરે તેવી શક્યતા છે. એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારત અને પાકિસ્તાન એક જ ગ્રૂપમાં હોય. આઇસીસી ટી-૨૦ વર્લ્ડકપનું આયોજન આગામી માર્ચમાં થવાનું છે અને તેની મેચ કોલકાતા, ધર્મશાલા, નાગપુર, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને ચેન્નઈમાં રમાવાની છે. ૨૦૧૧ના વન વર્લ્ડકપ બાદ ભારત પહેલી વાર આઇસીસી ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે. બીબીસીઆઇ નથી ઇચ્છતી કે આ સ્પર્ધા દરમિયાન કોઈ પણ શરમજનક ઘટના બને.

You might also like