વસ્તુની ગુણવત્તા નિર્ધારિત કરતાં પ્રતીકો

અમદાવાદ : નિર્ધારિત ગુણવત્તા પર ખરી ઊતરેલી વસ્તુને પ્રમાણિત કરવા માટે સ્ટાન્ડર્ડાઇઝેશન માર્ક આપવામાં આવે છે. આ માર્કને તમે સિમ્બોલ તરીકે પણ ઓળખી શકો છો. ઉદા. તરીકે બીઆઈએસ હોલમાર્કવાળું સોનું જ ખરીદવાનો આગ્રહ રાખવો.

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ(બીઆઈએસ) દ્વારા પ્રમાણિત કરેલું સોનું ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે એટલે બીઆઇએસ હોલમાર્ક સોનું ખરીદવાનું કહેવાય છે. આ માર્કાવાળું સોનું જરૂરી ગુણવત્તા ધરાવે છે. તેનું સર્ટિફિકેટ આપવામાં આવે છે અને આ સર્ટિફિકેટ સિમ્બોલના રૂપમાં આપવામાં આવે છે. બીએસઆઇ હોલમાર્ક જેવા જ અન્ય કેટલાક જાણીતા સ્ટાન્ડર્ડ માર્કા છે.

આઈએસઓ માર્કનું આખું નામ છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. આઈએસઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વપરાતી વસ્તુઓની ગુણવત્તાને પ્રમાણિત કરે છે. મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસિંગ, પ્રિન્ટિંગ, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટીલ, બેન્કિંગ, ટેલિકમ્યુનિકેશન, હોસ્પિટલ, ઇન્શ્યોરન્સ વગેરેને આઇએસઓ માર્કો આપવામાં આવે છે.

ભારતમાં ઉત્પાદિત થતી અને વિદેશમાં નિકાસ પામતી વસ્તુઓ માટે ૯૦૦૦ અને ૧૪,૦૦૦ સિરીઝ આઇએસઓ માર્કામાં વાપરવામાં આવે છે. એફપીઓ માર્કો જામ, જેલી, ફ્રૂટ જ્યૂસ, અથાણાં, સોફ્ટ ડ્રિંક્સ વગેરે પર જોવા મળે છે. એફપીઓનું આખું નામ છે-ફૂડ પ્રોડક્ટ્સ ઑર્ડર.

કૃષિસંલગ્ન પેદાશો, બાગાયતી ઉત્પાદનો, વન્ય ઉત્પાદનો વગેરે માટે એગમાર્ક વાપરવામાં આવે છે. તેલ, મધ, કઠોળ, મસાલા વગેરે પર એગમાર્કનો સિમ્બોલ હોય છે. વુલમાર્ક સિમ્બોલ ઊનમાંથી બનાવેલાં વસ્ત્રો માટે વાપરવામાં આવે છે. ઇન્ટરનેશનલ વુલ સેક્રેટેરિયેટે ઊનનાં વસ્ત્રોની ગુણવત્તા નક્કી કરી છે. ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ માટે ઇકોમાર્ક વાપરવામાં આવે છે.

આ માર્કાનો અર્થ છે કે માર્કાવાળી પ્રોડક્ટ એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી છે. પેપર, પેકેજિંગ, મટીરિયલ, ટેક્સ્ટાઇલ વગેરે પર આ માર્કો જોવા મળે છે. વાહનોમાંથી નીકળતા ધુમાડાને કારણે વાતાવરણમાં પ્રદૂષણ વધે છે. ભારત સરકારે પ્રદૂષણના સંદર્ભમાં કેટલાંક સ્ટાન્ડર્ડ નક્કી કર્યાં છે.

જેને ભારત-૨ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય કારો માટે ભારત-૨ માર્કો વાપરવામાં આવે છે. તમે અમુક વસ્તુઓ પર પ્લાસ્ટિકનું ટ્રાન્સપરન્ટ સ્ટીકર મારેલું જોયું હશે. આ સ્ટીકરને હોલોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ટીકરને ધ્યાનથી જોવામાં આવે તો તેના પર લખાણ જોઇ શકાય છે. સ્ટીકર પર કંપનીનું નામ, લૉગો અથવા કોઇ ચિત્ર હોય છે. હોલમાર્ક માર્કો સોના માટે વપરાય છે.

હોલમાર્કવાળું સોનું કે ઘરેણાં શુદ્ધ છે તેની ખાતરી આપવામાં આવે છે. ફૂડ પ્રોડક્ટ પર જોવા મળતો લીલા રંગનો માર્કો એટલે શાકાહારી પ્રોડક્ટ અને લાલ રંગનો માર્કો એટલે માંસાહાર પ્રોડક્ટ.

You might also like