મસ્તી કરતા બાળકોને ઠપકો આપતા ત્રણ યુવકો પર તલવારથી હુમલો

અમદાવાદ : શહેરના ગોમતીપુર વિસ્તારમાં જાહેર રોડ પર મસ્તી કરતા બાળકને ઠપકો આપવા બદલ ત્રણ યુવક પર હુમલો કરાયો હતો.  પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગઇ કાલે જાવેદના પિતા અબ્દુલ કલામ કરિયાણાની દુકાન પાસે ગયા હતા ત્યારે એક નાનો બાળક મસ્તી કરતો હતો.

અબ્દુલ કલામે બાળકને ઠપકો આપતાં તેના પિતા અતિક એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. અતિકે અબ્દુલ કલામ સાથે ઝધડો કરીને લાફો મારી દીધો હતો. કરિયાણાની દુકાન પાસે બુમાબુમ થતાં જાવેદ, મોહમદ અસજદ તથા અકરમ શાહબુદ્દીન દોડી ગયા હતા.

આ સમયે કરિયાણાની દુકાન પાસે અતિક તેના ભાઇ મુન્ના ઢોલક, સાજિદ હુસૈન અને અબ્દુલ નૌસાદ ઊભા હતા. જાવેદે અતિક અને તેના ભાઇઓને સમજાવ્યા હતા કે બાળક તોફાન કરતો હતો અને ઠપકો આપ્યો તો લાફો મારવાની ક્યાં જરુર પડી.

અતિક અને તેના ભાઇઓ જાવેદ સહિતના લોકોને ગાળો બોલતા હતા ત્યારે જાવેદે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. પોલીસ આવે તે પહેલાં અતિક તેના ઘરેથી તલવાર લઇને આવ્યો હતો અને જાવેદ પર હુલાવી દીધી હતી. મોહમદ અસજદ, અને અકરમને પણ તલવાર વાગી હતી.

ઇજાગ્રસ્ત જાવેદ અને અન્ય બે જણાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોમતીપુર પોલીસ આ મામલે ચારેય ભાઇઓ વિરુદ્ધમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને ત્રણ ભાઇની ધરપકડ કરી છે.

You might also like