બાઈક પરથી યુવક પડ્યો, તેને જોઈને વેપારી હસ્યો તો તલવારના ઘા ઝીંકી દીધા

અમદાવાદ: નરોડા વિસ્તારમાં ગઇ કાલે મોડી રાતે યુવક પર તલવારથી હુમલો કરાયો હતો. હસવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં એક યુવાને તલવારના ઘા મારી દીધા હતા. નરોડા વિસ્તારમાં આવેલ પલ્લવ સોસાયટીમાં રહેતા અને પાણીની બોટલોનો વેપાર કરતા 22 વર્ષીય દ‌િર્શલ સુરેન્દ્રભાઇ પટેલે તેના પર તલવાર વડે હુમલો થતાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ગઇ કાલે રાતે દ‌િર્શલ પટેલ તેના મિત્ર ભાવેશ પંચાલ સાથે નરોડાની નવયુગ કેનાલ પાસે આવેલ અમૂલ પાર્લર પાસે ઊભા હતા. દરમિયાનમાં એક બાઇક પર ત્રણ યુવક આવ્યા હતા. બાઇક સ્ટેન્ડ પર કરતી વખતે ત્રણ યુવક પૈકી એક યુવક જમીન પર પડી ગયો હતો. યુવક જમીન પર પડતાંની સાથે જ દર્શિલ એકાએક હસી પડ્યો હતો. યુવકને લાગી આવતાં તેણે દર્શિલ સાથે બોલાચાલી શરૂ કરી હતી અને તેમની વચ્ચે ઝપાઝપી થઇ હતી.

જોકે ઝઘડો શાંત થતાં દર્શિલ ચાલતો ચાલતો તેના ઘર તરફ જઇ રહ્યો હતો તે સમયે કુલદીપસિંહ નામનો યુવક તલવાર લઇને આવ્યો અને દર્શિલ પર હુમલો શરૂ કરી દીધો હતો. કુલદીપ તલવારના ત્રણ-ચાર ઘા ઝીંકીને ફરાર થઇ ગયો હતો, જ્યારે ઇજાગ્રસ્ત દર્શિલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. નરોડા પોલીસે કુલદીપ અને અજાણ્યા યુવક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like