લોકસભામાં અને રાજ્યસભામાં વિવિધ મુદ્દાઓ પર થયો હોબાળો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીનો વિરોધ કરી રહેલા જ્લેલર્સને ઝટકો આપ્યો છે. સરકારે સોના પર લાદેલી એક ટકા એક્ઝાઇઝ ડ્યુટીને પાછી ખેંચવાનો સ્પષ્ટ પણે ઇનકાર કર્યો છે. જેની જાહેરાત નાણા મંત્રી અરૂણ જેટલીએ આજે લોકસભામાં કરી છે. જ્વેલર્સ આ મામલે નાણામંત્રી અરૂણ જેટલીને મળ્યા પણ હતા. ત્યારે જેટલીએ આ મામલે વિચારવા અંગે જણાવ્યું હતું. ત્યારે આજે લોકસભામાં તેમણે સ્પષ્ટ પણે જાહેરાત કરી દીધી છે નિર્ણયમાં કોઇ જ ફેરફાર કરવામાં નહીં આવે.

આ પહેલાં અગસ્તા વેસ્ટલેન્ડ મામલે રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાની સાથે જ વચોટીયાઓને કમીશન મળ્યાની બાબત પર હોબાળો થયો હતો. આ સાથે નાણામંત્રી અરૂણ જેટલીએ પનામા પેપરલીક્સ મામલે જણાવ્યું હતું કે આ મામલે જે પણ લોકોના નામ સામે આવ્યા છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે.

રાજ્યસભામાં અગસ્તા વેસ્ટલેન્ડ અને રામ મંદિરના મુદ્દે હોબાળો થયો હતો. કોંગ્રેસ સરકાર પર સોદાબાજીનો આરોપ લગાવ્યો હતો. જેના પછી સદનમાં હોબાળો થયો હતો.

કાર્યવાહીની શરૂઆતમાં કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ મિશેલની ચિઠ્ઠીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સદનમાં કહ્યું હતું કે વચોટિયાઓએ ઇન્ટરનેશનલ ટ્રિબ્યૂનલને લખેલા પત્રમાં સરકાર ગાંધી પરિવારને ફસાવવા માટે તેમની પર દબાણ કરી રહી હોવાનું જણાવ્યું છે. જ્યાં અગસ્તા મામલે સંસદમાં હોબાળો ચાલી રહ્યો હતો, ત્યારે બીજેપી સાસંદ સુબ્રમણ્યમ સ્વામીએ રાજ્યસભામાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રામ મંદિર પર જલ્દી નિર્ણય લેવાવો જોઇએ. સ્વામીએ તેને આસ્થા સાથે જોડાયેલો મામલો ગણાવ્યો. જેને પગલે સંસદમાં ફરી હોબાળો થયો હતો.

You might also like