સ્વિટ્ઝર્લેન્ડની કાફે-56માં અંધાધૂંધ ફાયરિંગઃ બેનાં મોત

જી‌િનવા: ઉત્તર-પશ્ચિમ સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં આવેલી એક કાફેમાં મોડી રાતે થયેલા ગોળીબારમાં બેનાં મોત થયાં છે. જ્યારે એક વ્યકિત ગંભીર રીતે ઘાયલ થઇ છે. એક સ્થાનિક ટીવી ચેનલના જણાવ્યા અનુસાર આ ફાયરિંગની ઘટના સ્થાનિક સમય મુજબ ગુરુવારે ૮-૧પ કલાકે થઇ હતી. એએફપીના રિપોર્ટ અનુસાર બે હુમલાખોરો આ કાફેમાં ઘૂસ્યા હતા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

પોલીસના જણાવ્યા હનુસાર હુમલા બાદ હુમલાખોરો રેલવે સ્ટેશન તરફ ભાગી ગયા હતા. પોલીસ આ મામલામાં સામેલ બે શકમંદ હુમલાખોરોની તપાસ કરી રહી છે. પોલીસે ફાયરિંગની આ ઘટના બાદ બાસેલની કાફે-પ૬ને ચોમેરથી ઘેરી લીધી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જોકે પોલીસને હજુ સુધી આ ફાયરિંગ પાછળ હુમલાખોરોનો ઇરાદો શું હતો તે હજુ જાણવા મળ્યું નથી.
સ્વિટ્ઝર્લેન્ડના કાયદા વિભાગનું કહેવું છે કે આ ઘટનાની તપાસ ચાલી રહી છે. આ હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. કાફે-પ૬ની સામે આવેલા માર્ગને સીલ કરી દેવામાં આવ્યો છે અને વાહનવ્યવહાર અન્યત્ર ડાઇવર્ટ કરી દેવામાં આવ્યો છે.

સ્વિટ્ઝર્લેન્ડમાં આ પ્રકારની ફાયરિંગની ઘટનાઓ ભાગ્યે જ બને છે, પરંતુ જે લોકો સૈન્યમાં કામ કરી ચૂક્યા છે તેમને પોતાનાં શસ્ત્રો રાખવા માટે લાઇસન્સ આપવામાં આવે છે. આ અધિકાર અંગે ઘણા સમયથી વિવાદ છેડાયો છે, કારણ કે ઘણી વાર ઘરેલુ ઘટનાઓમાં આ શસ્ત્રોનો આ રીતે દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. સ્વીસ પ્રેસના જણાવ્યા અનુસાર ૮૦ લાખની વસ્તી ધરાવતા આ દેશમાં ર૦ લાખ શસ્ત્રો છે.
http://sambhaavnews.com/

You might also like