ભારતીય ખેલાડીઓને વિઝા આપવાનો સ્વિટ્ઝર્લેન્ડે સ્પષ્ટ ઇનકાર કરી દીધો

નવી દિલ્હીઃ યુસીઆઇ જુનિયર ટ્રેક વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લેતા પહેલાં જ ભારતીય સાઇકલિસ્ટો માટે વિઝાની અડચણોએ મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ટૂર્નામેન્ટનું આયોજન સ્વિટ્ઝર્લેન્ડના એગ્લેમાં તા.૧૫ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે.

આ સ્થિતિમાં સ્વિસ દૂતાવાસે ભારતીય ટીમને વિઝા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ભારતીય સાઇકલિંગ મહાસંઘના મહાસચિવ ઓમકારસિંહે આ વાતની પુષ્ટિ પણ કરી છે.

ઓમકારે કહ્યું, ”સીએફઆઇએ આવેદનની સાથે ટૂર્નામેન્ટની આયોજન સમિતિનો નિમંત્રણપત્ર પણ મોકલ્યો હતો. આમ છતાં સ્વિસ દૂતાવાસે વિઝા આપવાનાે ઇનકાર કરી દીધો.” આ ટૂર્નામેન્ટ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન સોમવારથી શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ ઓમકારનું કહેવું છે કે આને વિઝા પ્રક્રિયા સાથે કોઈ લેવાદેવા નથી.

મહાસંઘે વિશ્વ ચેમ્પિયનશિપની આયોજન સમિતિને આ મામલામાં હસ્તક્ષેપ કરવા માટે પત્ર લખ્યો છે. આ ઉપરાંત મહાસંઘે દૂતાવાસને પણ પત્ર લખીને ભારતીય એથલિટોને વિઝા આપવાનો આગ્રહ કર્યો છે, જેથી ભારતીય ટીમના છ સભ્યો આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકે.

ઓમકારે જણાવ્યું કે અમે બધા દસ્તાવેજોની સાથે સામાન્ય વિઝા માટે આવેદન આપ્યું છે, પરંતુ દુર્ભાગ્યે રહેવાની વ્યવસ્થા અને ઉદ્દેશને સ્પષ્ટ ન કરવાના કારણથી નજરઅંદાજ કરી દેવામાં આવ્યા છે. આ સંબંધમાં સીએફઆઇ દ્વારા રમત મંત્રાલયનો સંપર્ક સાધવાના મામલામાં ઓમકારે કહ્યું, ”હાલમાં અમે આયોજન સમિતિ તરફથી પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છીએ અને ત્યાર બાદ અમે અન્ય વિકલ્પો અંગે વિચાર કરીશું.”

You might also like