શું તમારી દુકાને સ્વાઈપ મશીન છે?

વડા પ્રધાને લાદેલી નોટબંધી પછી દેશમાં નાણાભીડની મોટી સમસ્યા સર્જાઈ છે. હવે સમગ્ર દેશને કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વાળવા સરકારે અભિયાન છેડ્યું છે. જેથી મોબાઈલ એપ. અને ડિજિટલ વૉલેટની સાથે કાર્ડ સ્વાઈપ મશીન પીઓએસ (પોઈન્ટ ઓફ સેલ)ની માગમાં ઉછાળો આવ્યો છે. શું તમારે ત્યાં કાર્ડ સ્વેપથી પેમેન્ટ થાય છે? એવો સવાલ હવે મોટાભાગના ગ્રાહકો કરી રહ્યા છે. સરકાર સમગ્ર ઈકોનોમીને કૅશલેસ કરવાની વાતો કરે છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે વેપારીઓને માગ મુજબ સ્વાઈપ મશીન ઉપલબ્ધ કરવામાં સરકાર નિષ્ફળ નીવડી છે.

સ્વાઈપ મશીન માટે ઊલટી ગંગા
અગાઉ બેંકો વેપારીઓને સ્વાઈપ મશીન વસાવવા માર્કેટિંગ અને આજીજી કરતી હતી. આ મામલે હવે જાણે ઊલટી ગંગા વહી રહી છે. નોટબંધી બાદની નાણાભીડ અને સરકારી કૅશલેસ કવાયતને કારણે હવે નાનામોટા વેપારીઓ સ્વાઈપ મશીન માટે સામેથી બેંકનો સંપર્ક કરે છે. એનું કારણ પણ છે કે સ્વાઈપ મશીન ઉપલબ્ધ બને તો ઠપ થઈ ગયેલા વેપાર-ધંધા ફરીથી સામાન્ય બને. જોકે નાણાંની તંગી ઊભી થઈ છે તેમ સ્વાઈપ મશીનની પણ સખત તંગી છે. સ્વાઈપ મશીન મેળવવા માટે ર૦ દિવસથી લઈને બે મહિના સુધીનાં લાંબાંલચક વેઈટિંગ છે. દરેક વેપારીને મશીન ઉપલબ્ધ બને તે માટેની વ્યવસ્થા ઊભી થતાં પણ વાર લાગે તેમ છે. જેના કારણે નાછૂટકે વેપારીઓ કૅશલેસ ટ્રાન્ઝેક્શનના અન્ય વિકલ્પો વિચારી રહ્યા છે જે સ્વાઈપ મશીન જેટલા સુરક્ષિત પણ નથી.

નોટબંધી પહેલાં પણ એક વર્ગ પોતાના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરતો હતો. હવે ઓનલાઈન સિવાય બીજો વિકલ્પ મુશ્કેલ છે. જેથી લોકોએ મોબાઈલ એપ.થી ડિજિટલ પેમેન્ટ કે સ્વાઈપ મશીનથી પેમેન્ટ કરવું પડે છે. જોકે આવાં ટ્રાન્જેક્શન સુરક્ષિત અને ભરોસાપાત્ર ન હોવાની શંકાથી મોટાભાગના લોકો વ્યવહાર કરતાં અચકાઈ રહ્યા છે. આવા વ્યવહારમાં અગાઉ સાયબર ક્રાઈમના કિસ્સા પણ પ્રકાશમાં આવેલા છે. જેને લઈને પ્રથમ વખત ઓનલાઈન પેમેન્ટ કરતા લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે આ માધ્યમ કેટલું વિશ્વાસપાત્ર?

આ અંગે રાજકોટના બેંકકર્મી ભાવેશ આચાર્ય કહે છે, “સ્વાઈપ મશીનથી પેમેન્ટ કરવું એકદમ સરળ અને વિશ્વસનીય છે. નાણાં ચૂકવતી વેળાએ કદાચ સર્વર ડાઉન હોય તો પણ તમારા ખાતામાંથી નાણાંં ઉપડતાં નથી. ક્યારેક આવું બને તો ર૪ કલાકમાં તે તમારા ખાતામાં જમા થઈ જાય છે. જ્યારે મોબાઈલ એપ.થી ડિજિટલ પેમેન્ટમાં સર્વર ડાઉન હોય ત્યારે નાણાં ખાતામાંથી કપાઈ પણ જાય છે, પરંતુ ડિજિટલ વૉલેટમાં જમા થતા નથી. આવી ફરિયાદ બેંકમાં કરીએ તો તેઓ ડિજિટલ વૉલેટ કંપનીમાં ફરિયાદ કરવાનું કહે છે અને ડિજિટલ વૉલેટ કંપની બેન્કમાં ફરિયાદ કરવાનું કહે છે. આમ, એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે. આવી સ્થિતિમાં લોકો ઈ-પેમેન્ટ પરથી ભરોસો કરવાનુંં માંંડી વાળે છે. આ કારણે જ સ્વાઈપ મશીનની માગ વધી છે પરંતુ હકીકત એ છે કે ઉપરથી જ સ્વાઈપ મશીનની શોર્ટેજ છે. રાજકોટમાં એક મહિના સુધીનું વેઈટિંગ છે. નોટબંધી પછી અત્યાર સુધીમાં પાંચથી ૬ હજાર સ્વાઈપ મશીન રાજકોટમાં અપાયાં છે.”

અમદાવાદમાં  પણ સ્વાઈપ મશીન મેળવવા અંગે દરરોજ ૪૦૦ જેટલી ઈન્ક્વાયરી આવી રહી છે. અમદાવાદ શહેરમાં ૧૬૦૦૦થી વધુ સ્થળોએ સ્વાઈપ મશીન ઉપલબ્ધ બની ચૂક્યાં છે. જેમાં કેટલાંક રિક્ષાચાલકોએ પણ હવે સ્વાઈપ મશીન વસાવી લીધાં છે. આગામી ત્રણ માસમાં દસ હજાર રિક્ષાચાલકોને પણ સ્વાઈપ મશીન અપાશે.

પીઓએસ ખરીદવા કરંટ ખાતું જરૂરી
સ્વાઈપ મશીન વસાવવા માટે બેંકમાં કરંટ ખાતું હોવું અનિવાર્ય છે. હાલમાં સ્વાઈપ મશીન માટે કોઈ માસિક ચાર્જ નથી, પરંતુ સામાન્ય રીતે દરેક બેંક વેપારી પાસેથી રૂ.૩૦૦-પ૦૦ સુધી માસિક ભાડું વસૂલે છે. તો કેટલીક બેંકના નિયમો ઘણા કઠિન છે. આવી બેંકો માસિક ર૦ કે રપ હજારનું ટ્રાન્ઝેક્શન ન થાય તો પણ ચાર્જ વસૂલે છે. કેપેસિટી પ્રમાણે આ મશીનની કિંમત રૂ.૧૦ હજારથી લઈને રૂ.રપ હજાર સુધીની હોય છે. બેંક કુલ ટ્રાન્ઝેક્શનના હિસાબથી દર માસે એક કે બે ટકા સર્વિસ ચાર્જ વસૂલે છે. એક તરફ સરકાર કૅશલેસ ટ્રાન્ઝેક્શન કરવા માટે વેપારીઓને સ્વાઈપ મશીન ખરીદવા આમંત્રણ આપે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે બેંકના ધક્કા અને એકથી વધુ વખત અરજીઓ આપવા છતાં સ્વાઈપ મશીન મળતાં નથી.

અમદાવાદમાં સ્ટેશનરીનો વ્યાપાર કરતા ધવલ વ્યાસ કહે છે, “સ્વાઈપ મશીન મેળવવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં છેલ્લા ર૦ દિવસથી અરજી કરી છે પરંતુ હજુ સુધી મશીન ઉપલબ્ધ બન્યું નથી. બેંક દ્વારા મશીનો ઉપરથી આવતાં નથી એવો જવાબ અપાય છે.”

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં સૂત્રોના કહેવા પ્રમાણે નોટબંધી પછી વેપારો ઠપ થઈ જતા અચાનક જ સ્વાઈપ મશીનની ભારે ડિમાન્ડ નીકળી છે. જોકે હાલ સ્વાઈપ મશીન બહુ ઓછાં છે, એટલે અછત છે. ર૦ ડિસેમ્બર સુધીમાં જ એક ડઝનથી વધુ બેંક પાસે સ્વાઈપ મશીન મેળવવા માટે ૧-ર હજારથી વધુ અરજીના થપ્પા લાગી ગયા છે. જેમાં સૌથી વધુ અરજીઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેંક પાસે આવી છે. અરજીના પ્રમાણમાં મશીનો ઉપલબ્ધ નથી. બેંકો જે એજન્સી પાસેથી મશીન મંગાવે છે તે દરેક એજન્સીઓને વધુ ઑર્ડર પણ અપાયા છે. બેન્કો ક્વાર્ટરલી મશીનની ખરીદી કરતી હોય છે. એક સરકારી બેંકે તો નેક્સ્ટ ક્વાર્ટર માટે ૩-૪ લાખ મશીનનો ઑર્ડર પણ આપી દીધો છે. અન્ય એક બેંકે ૮૦ હજાર મશીનનો ઑર્ડર આપ્યો છે.

ચાની કીટલીવાળાથી લઈને મોટા શૉ-રૂમ અને મૉલ સુધી પહોંચવા માટે સરકાર ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ)ના માર્કાવાળાં સ્વાઈપ મશીનો આયાત કરે તેવી વાત બહાર આવી છે.  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના હાલના જ એક સરવૅ મુજબ દેશમાં નોટબંધી પહેલાં ૧પ લાખથી વધુ સ્વાઈપ મશીન હતાં. હવે ર૦ લાખથી વધુ મશીનની જરૂર ઊભી થઈ છે.

નાના દુકાનદારોની વધુ માગ
હાલની નાણાભીડને લીધે સ્વાઈપ મશીન વિક્રેતાઓને ચાંદી-ચાંદી થઈ ગઈ છે. સ્વાઈપ મશીનની માગમાં ૧૦ ગણો ઉછાળો આવ્યો છે. આ સેક્ટરની અગ્રણી કંપની પાઈન લેબ્સના જણાવ્યા મુજબ ગુજરાતમાંથી દરરોજ ૭૦૦થી વધુ પૂછપરછ આવી રહી છે. જેમાં મશીન કેવી રીતે કામ કરે છે? તેને ખરીદવા શું કરવું? જેવા પ્રશ્નો વધુ પુછાઈ રહ્યા છે. વાર્ષિક ર૪ ટકાના ગ્રોથરેટની સામે આ વખતે અમે ૬૦ ટકા ગ્રોથરેટની આશા રાખી રહ્યા છીએ. નોટબંધીના બીજા દિવસથી જ ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સમાં ૧૦૮ ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે ક્રેડિટકાર્ડના વપરાશમાં ૬૦ ટકાનો વધારો નોંધાયો હતો. પાઈન લેબ્સ, પેયમની, પીઓેએસ એમ સ્વાઈપ સોલ્યુશન્સ અને ઈઝી પે સર્વિસીઝ એ સ્વાઈપ મશીન વેચતી ટોચની કંપનીઓ છે.

નોટબંધીની નાણાભીડથી હાલ તો વ્યાપારીઓ ઉમળકાભેર સ્વાઈપ મશીન વસાવી રહ્યા છે, પરંતુ તેઓને ચિંતા છે કે એક વખત કૅશનો પ્રવાહ યથાવત્ થઈ ગયા પછી નાગરિકો ફરીથી કૅશ તરફ વળી જશે તો? સરકાર ઈકોનોમીને કૅશલેસ કરવાની વાતો કરે છે પરંતુ ગામડાંમાં લોકો ઈ-વૉલેટ અને સ્વાઈપ મશીનથી હજુ પણ અજાણ છે. વળી હાલ નાણાભીડની જેમ સ્વાઈપ મશીનની પણ તંગી અનુભવાઈ રહી છે.
http://sambhaavnews.com/

You might also like