સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત્ઃ દર 35 દર્દીએ એક મોતને ભેટે છે

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ ચાલુ વર્ષના પ્રારંભથી વાઇબ્રન્ટ ગુજરાત, ફલાવર શો, કાઇટ શો તેમજ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ જેવા એક અથવા બીજા પ્રકારના ઉત્સવોની ઉજવણીમાં સતત વ્યસ્ત રહેવાના કારણે ઘાતક સ્વાઇન ફલૂના કેસમાં જબ્બર ઉછાળો આવ્યો છે. આ વર્ષે દોઢ મહિનામાં ૬પ૦થી વધુ સ્વાઇન ફલૂના પોઝિટિવ કેસ નોંધાઇને ૧પ દર્દી મરણને શરણ થતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. તેમાં પણ ચાલુ ફેબ્રુઆરી મહિનામાં ૪૩પ કેસ નોંધાઇને ૧ર દર્દીના મોત થતા અત્યારે દર ૩પ દર્દીએ એક દર્દીનું મોત થતું હોવાની ચોંકાવનારી વિગત જાણવા મળી છે.

શહેરમાં સ્વાઇન ફલૂનો પ્રથમ કેસ ર૦૦૯માં નોંધાયો હતો. પૂનાથી આવેલા એક યુવકને સ્વાઇન ફલૂ થયો હતો ત્યાર પછી સ્વાઇન ફલૂએ શહેરમાં એક પ્રકારે ઘર કરી નાખ્યું છે. તો સત્તાધીશોએ સ્વાઇન ફલૂનું નામ બદલીને સિઝનલ ફ્લૂ કર્યું છે. તંત્રની નબળી કામગીરીથી શહેરમાં સૌથી ખતરનાક રોગ તરીકે સ્વાઇન ફલૂ સામે આવ્યો છે. તેમ છતાં સત્તાવાળાઓ ઠંડા કલેજે બેઠા છે.

ખાનગી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ વગર દર્દીઓને અપાતી સ્વાઇન ફલૂની સારવાર સામે તંત્ર ખામોશ છે. આને લગતી ‘રૂટિન’ કામગીરી ચાલે છે. એક પ્રકારે સ્વાઇન ફલૂની ગાઇડલાઇનની અવગણના કરાતી હોઇ આ રોગ વધુ ને વધુ વકરી રહ્યો છે. આગામી માર્ચ મહિના સુધી સ્વાઇન ફલૂનો આતંક યથાવત રહેશે તેવું તો ખુદ મ્યુનિસિપલ વહીવટીતંત્ર ‘ખાનગી’માં કબૂલી રહ્યા છે.

મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા દિનેશ શર્મા છેક વર્ષ ર૦૦૯થી ગત તા.૧પ ફેબ્રુઆરી ર૦૧૯ સુધીના સ્વાઇન ફલૂના કેસ અને મૃત્યુ અંગેની માહિતી આપતા કહે છે, છેલ્લા દસ વર્ષમાં સ્વાઇન ફલૂના કુલ ૪૦૭પ કેસ નોંધાઇને ૩રપ દર્દી મૃત્યુ પામ્યા છે. એટલે કે દર બાર દર્દીએ એક દર્દીનું મોત થાય છે.

ગત વર્ષ ર૦૧પમાં સ્વાઇન ફલૂના સૌથી વધુ રર૦૯ કેસ નોંધાઇને ૧૩૯ દર્દીનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે વર્ષ ર૦૧૮માં સમગ્ર વર્ષ દરમ્યાન કુલ ૭૭૭ કેસ અને ર૯ મોત થયાં હતાં. જોકે તંત્રની બેદરકારીના કારણે ચાલુ વર્ષે સ્વાઇન ફલૂના સત્તાવાર કેસની સંખ્યા વર્ષ ર૦૧પના કેસની સમકક્ષ થાય તેવી શક્યતા છે.

You might also like