સ્વાઇન ફ્લૂના સત્તાવાર કેસનો આંકડો ૧૬૦૦થી પણ વધી ગયો

અમદાવાદ: શહેરમાં ઘાતક સ્વાઇન ફ્લૂના અજગરી ભરડામાં દિન-પ્રતિદિન વધુ ને વધુ નાગરિકો આવી રહ્યા છે. તેમ છતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ સ્વાઇન ફ્લૂના સત્તાવાર કેસની માહિતી પણ છુપાવી રહ્યા છે, જોકે શહેરમાં સ્વાઇન ફ્લૂના સત્તાવાર કેસનો આંકડો ૧૬૦૦ને આંબી ગયો છે.

ગઇ કાલે સાંજના ૬-૦૦ વાગ્યાથી આજે સવારના ૧૦-૦૦ વાગ્યા સુધીમાં સ્વાઇન ફ્લૂના વધુ ૩પ કેસ નોંધાતાં અમદાવાદમાં ચાલુ વર્ષમાં આજદિન સુધીમાં સ્વાઇન ફ્લૂના સત્તાવાર ૧૬૧૦ કેસ તંત્રના ચોપડે નોંધાઇ ચૂક્યા છે. શહેરમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવતાં તંત્રમાં પણ દોડધામ વધી છે.

ગઇ કાલે સાંજે ઉસ્માનપુરા ખાતે આવેલી પશ્ચિમ ઝોનની ઝોનલ કચેરીએ મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારે સ્વાઇન ફ્લૂ પર નિયંત્રણ મૂકવામાં હેલ્થ વિભાગને મળેલી નિષ્ફળતા બદલ સંબંધિત અધિકારીઓનો કડક ભાષામાં ઊધડો લીધો હતો. આમ તો હેલ્થ વિભાગ જ છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ઇન્ચાર્જ વડાને હવાલે હોઇ ઝોનલ સ્તરના હેલ્થ વિભાગના વડા ઉત્સાહભેર કામગીરી કરતા નથી. હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓની આંતરિક ટાંટિયાખેંચથી પણ સ્વાઇન ફ્લૂ સામે અસરકારક ઝુંબેશ હાથ ધરવામાં તંત્ર કામિયાબ નીવડ્યું નથી. જાણકાર સૂત્રો કહે છે કે કમિશનર દ્વારા સ્વાઇન ફ્લૂના સંદર્ભમાં દરરોજ સાંજે મ્યુનિસિપલ મુખ્યાલય ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકનો ધમધમાટ ચાલતો હોવા છતાં પણ શહેરમાં દરરોજ સ્વાઇન ફ્લૂથી બેથી ત્રણ દર્દી મૃત્યુ પામી રહ્યા છે. ગઇ કાલે સ્વાઇન ફ્લૂથી વધુ બે દર્દી મૃત્યુ પામ્યા હતા અને આજનું એક મૃત્યુ ગણતાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂથી કુલ ૯૦ દર્દી મૃત્યુ પામ્યા છે. આગામી એકાદ અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂનો મૃત્યુઆંક ૧૦૦ થવાની પૂરેપૂરી શક્યતા છે.

સ્વાઇન ફ્લૂના કેસમાં ગુજરાત કુલ પ,૪૩૪ કેસ સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે અને રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂથી આજદિન સુધીમાં ૩૬૦થી વધુુ દર્દીનાં મોત થયાં છે.

You might also like