બાપુનગર, નિકોલ અને નરોડા સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત

અમદાવાદ: સમગ્ર અમદાવાદમાં ઘાતક સ્વાઈન ફ્લૂઅે હાહાકાર મચાવ્યો છે. શહેરમાં ગરમીનું પ્રમાણ વધુ હોવા છતાં સ્વાઈન ફ્લૂનો ઉપદ્રવ ઘટ્યો નથી. નિકોલ, નરોડા અને બાપુનગરમાં ચાલુ ફેબ્રુઅારી મહિનામાં સ્વાઈન ફ્લૂના અગિયાર જેટલા કેસ નોંધાતાં સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો છે.

મ્યુનિ. કોર્પોરેશનના ઉત્તર ઝોનમાં અાવતા બાપુનગરમાં અા મહિનામાં સ્વાઈન ફ્લૂના કુલ અાઠ કેસ નોંધાયા છે, જોકે અાઠ દર્દી પૈકી ત્રણ દર્દીનાં મૃત્યુ થવાથી મ્યુનિ. હેલ્થ વિભાગમાં પણ ફફડાટ જોવા મળે છે. અા ઝોનના અન્ય એક વોર્ડ નરોડામાં સ્વાઈન ફ્લૂના દસ કેસ મળી અાવ્યા છે. નરોડામાં સ્વાઈન ફ્લૂઅે એક દર્દીનો ભોગ લીધો છે.

સ્વાઈન ફ્લૂના સૌથી વધુ ૧૧ કેસ નિકોલ વોર્ડમાં નોંધાયા છે. સદનસીબે પૂર્વ ઝોનના નિકોલ વોર્ડમાં સ્વાઈન ફ્લૂથી એક પણ દર્દીનું મોત થયું નથી. ચાલુ વર્ષમાં ગત ૧ જાન્યુઅારીથી ૨૬ ફેબ્રુઅારી સુધીમાં અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કુલ ૧૦૮ કેસ નોંધાઈને ૨૩ દર્દીનાં મૃત્યુ નીપજ્યાં છે. ઝોનવાઇઝ સ્વાઈન ફ્લૂના કેસ અને મૃત્યુથી વિગત તપાસતાં ઉત્તર ઝોનમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ ૩૧ કેસ અને અાઠ મોત, નવા પશ્ચિમ ઝોનમાં ૨૭ કેસ અને પાંચ મોત, પૂર્વ ઝોનમાં ૨૧ કેસ અને ત્રણ મોત, પશ્ચિમ ઝોનમાં ૧૮ કેસ અને ત્રણ મોત, દક્ષિણ ઝોનમાં અાઠ કેસ અને બે મોત જ્યારે દક્ષિણ ઝોનમાં સૌથી અોછા ત્રણ કેસ અને બે મોત નોંધાયાં છે.

નવા પશ્ચિમ ઝોનમાં ઘાટલોડિયામાં બે દર્દી, વેજલપુર-ગોતા અને મકતમપુરામાં એક-એક દર્દી, પશ્ચિમ ઝોનના નવા વાડજ, ચાંદખેડા અને નવરંગપુરામાં એક-એક દર્દીનું સ્વાઈન ફ્લૂથી મોત થયું છે.

You might also like