શહેરમાં સ્વાઈન ફ્લૂનો કેરઃ ૫૬ કેસ, ૧૦નાં મોત

અમદાવાદ: શહેરમાં ઠંડી-ગરમીની મિશ્ર ઋતુના કારણે ઘાતક સ્વાઈનફ્લૂએ કાળો કેર વર્તાવ્યો છે. ગત ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી ગઈ કાલ સુધી એટલે ૭ ફેબ્રુઆરી, ૨૦૧૬ સુધી સ્વાઈનફ્લૂના કુલ ૫૬ કેસ અને ૧૦ મરણ નોંધાયાં છે. ગઈ કાલે અમદાવાદમાં સ્વાઈનફ્લૂના વધુ ત્રણ કેસ નોંધાયા હતા. બાપુનગર વિસ્તારમાં ૩૧ વર્ષીય યુવક, નરોડામાં ૩૪ વર્ષીય યુવક અને સરખેજમાં ચાર વર્ષીય બાળક સ્વાઈનફ્લૂનો ભોગ બન્યો હતો.

હાલમાં આ ત્રણેય સ્વાઈનફ્લૂના દર્દીઓ વિભિન્ન મ્યુનિ. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દરમિયાન ચાલુ મહિનાના પહેલા અઠવાડિયામાં જ સ્વાઈનફ્લૂના કુલ ૧૫ કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ દર્દી મરણને શરણ થયા છે. આરોગ્ય વિભાગમાં પણ સ્વાઈનફ્લૂએ શહેરભરમાં મચાવેલા હાહાકારથી દોડધામ મચી ગઈ છે. સ્વાઈનફ્લૂ વધુ ને વધુ વકરી રહ્યો હોવાનો સ્વીકાર આરોગ્ય વિભાગે કર્યો છે.

દરમિયાન શહેરમાં ડબલ સિઝનના કારણે વાયરલ ઈંફેકશનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ફોગિંગના અભાવે પણ હવે ચોમાસા સિવાયના દિવસોમાં પણ મચ્છરો જોવા મળી રહ્યા છે. પરિણામે ઝેરી મેલેરિયા, ટાઈફોઈડ સહિતના કેસ પણ વધ્યા હોઈ સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઊભરાઈ રહ્યા છે. જોકે આરોગ્ય વિભાગ મચ્છરજન્ય રોગચાળાના ઉપદ્રવને નકારી રહ્યો છે.

You might also like