સ્વિડનની રોમાંચક જીત સાથે રિયો ઓલિમ્પિક શરૂ

રિયોઃ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ હજુ તો સ્પોર્ટ્સ વિલેજ પહોંચી રહ્યા છે, ઉદ્ઘાટન સમારંભ બ્રાઝિલમાં શુક્રવારે યોજાવાનો છે, પરંતુ મહિલાઓની ફૂટબોલ ટૂર્નામેન્ટ શરૂ થઈ ચૂકી છે. સ્વિડને પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને ૧-૦થી હરાવીને રિયો ઓલિમ્પિક રમતોત્સવની પહેલી જીત હાંસલ કરી લીધી છે. મેચનો એકમાત્ર ગોલ નીલા ફિશરે કર્યો હતો.

દક્ષિણ આફ્રિકાની ગોલકીપર રોક્સાને બેકરે ઘણા શાનદાર બચાવ કર્યા ના હોત તો કદાચ સ્વિડનની જીતનું અંતર ઘણું મોટું હોત. હવે શનિવારે દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ચીન સામે થશે, જ્યારે સ્વિડનની ટક્કર શનિવારે જ યજમાન બ્રાઝિલ સામે થશે. બંને ટીમ ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં ટકરાઈ ચૂકી છે, જ્યાં સ્વિડને ૪-૧થી જીત હાંસલ કરી હતી. ૧૯૯૬ના ઓલિમ્પિકમાં મહિલા ફૂટબોલનો સમાવેશ થયા બાદ સ્વિડન એકમાત્ર યુરોપિયન દેશ છે, જે દરેક આયોજનનો હિસ્સો બન્યું છે, પરંતુ આ ટીમ ક્યારેય ખિતાબ જીતી શકી નથી.

આ વખતે સ્વિડનનું માર્ગદર્શન પીઆ સંધાગે કરી રહી છે, જેણે ૨૦૦૮ અને ૨૦૧૨ના ઓલિમ્પિકમાં અમેરિકાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. ઓલિમ્પિકમાં ફૂટબોલ સ્પર્ધામાં ૪-૪ ટીમના ત્રણ ગ્રૂપ છે. પ્રત્યેક ગ્રૂપમાંથી ટોચની બે ટીમ આગળ વધશે.

You might also like