સાઉદીમાં ફસાયેલા ૨૯ ભારતીયને મુક્ત કરાવવાની કાર્યવાહી શરૂ

નવી દિલ્હી: સાઉદી અરબમાં ફસાયેલા તેલંગાણાના ૨૯ કામદારોને સુરક્ષિત રીતે છોડાવવાની માગણી બાદ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આ તમામને મુકત કરાવવા ભારતીય એમ્બેસેડર અહેમદ જાવેદને કાર્યવાહી શરૂ કરવા આદેશ આપ્યો છે.  આઈટી અને એનઆરઆઈ અફેર્સ પ્રધાન કે. ટી. રામારાવ દ્વારા સાઉદી અરબમાં ફસાયેલા તેલંગાણાના ૨૯ કામદારોને સુરક્ષિત રીતે છોડાવવા માગણી કર્યા બાદ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આ તમામની મુકિત માટે ભારતીય એમ્બેસેડર અહેમદ જાવેદને કાર્યવાહી શરૂ કરવા અને આ અંગે તેમને અને કે. ટી. રામારાવને અહેવાલ આપવા જણાવ્યું છે.

આ અંગે રાવે એક પત્ર પાઠવી વિદેશ પ્રધાનની મદદ માગી હતી. પત્રમાં રાવે જણાવ્યું છે કે તેમના રાજ્યના કામદારો અલ હજરીમાં કામ કરે છે અને છેલ્લા ૧૨ દિવસથી તેમને અલ હસનાએ બંધક બનાવી રાખ્યા છે તેમજ તેમને ભોજન પણ આપવામાં આવતું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કંપનીએ તમામ ૨૯ ભારતીયને કાંઝી શહેરના બોદાર વિસ્તારમાં એક રૂમમાં ગોંધી રાખ્યા છે. તેમને ૧૨ દિવસથી યાતના આપવામાં આવી રહી છે અને તેમને ભોજનથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે તેમજ દવા પણ આપવામાં આવતી નથી.

રામારાવે વધુમાં જણાવ્યું કે આ કામદારોએ જ્યારે તેમના વતન જવા માટે રજા માગી હતી ત્યારે તેમને કંપનીએ તેમની પાસેથી ૫૦,૦૦૦ ડોલર માગ્યા હતા અને કંપનીએ મુસાફરીખર્ચ આપવાનો પણ ઈનકાર કર્યો હતો. ત્યારબાદ આ કામદારોએ લેબર કોર્ટમાં રજૂઆત કરી હતી.
http://sambhaavnews.com/

You might also like