સ્વરાજ અભિયાન પંજાબમાં ‘આપ’ની બાજી બગાડશે

આમ આદમી પાર્ટીથી છૂટા પડેલા પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ અને આનંદ કુમાર એક નવા રાજકીય પક્ષની સ્થાપના કરવા જઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ સાથેના મતભેદોને કારણે આ ત્રણેય અગ્રણીઓની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. એ પછી તેઓ સ્વરાજ અભિયાનના નામે રાજનીતિના શુદ્ધીકરણ માટે ઝુંબેશ ચલાવતા રહ્યા છે.

સ્વરાજ અભિયાન આગામી બીજી ઑક્ટોબર, ગાંધી જયંતીના દિવસે વિધિવત્ રીતે રાજકીય પક્ષનું સ્વરૂપ ધારણ કરશે અને પંજાબની ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી શરૂ કરશે. આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા સાંસદ ધર્મવીર ગાંધી સ્વરાજ અભિયાનના ગાઢ સંપર્કમાં છે અને પક્ષની સ્થાપના વખતે હાજર રહેવાના છે. એવા જ બીજા ‘આપ’ના સાંસદ હરિન્દરસિંહ ખાલસા પણ પ્રશાંત ભૂષણ અને યાદવના સંપર્કમાં છે.

પંજાબમાં સ્વરાજ અભિયાન આ બંનેને આગળ કરશે. આમ આદમી પાર્ટી માટે પંજાબની ચૂંટણીમાં આ નવો પક્ષ ભારે મુશ્કેલી સર્જનારો બની રહેશે. આમ આદમી પાર્ટી પ્રમાણિક હોવાના ખ્યાલને ધ્વસ્ત કરી નાખવામાં ઉદ્દેશ સાથે તે પ્રચાર ઝુંબેશ ચલાવશે. ‘આપ’ અને કેજરીવાલ વિરુદ્ધનો ઘણો દારૂગોળો ભૂષણ, યાદવ અને કુમાર પાસે છે, જે પંજાબમાં કેજરીવાલની બાજી બગાડશે.

You might also like