માંગરોળમાં વાવ ગળાવી

સદ્દગુરુ રામાનંદ સ્વામીનાં અંતર્ધાન બાદ નીલકંઠવર્ણી વિચરણ કરતા કરતા માંગરોળ પધાર્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણની ઉંમર ત્યારે માત્ર બાવીશ વર્ષની હતી.

માંગરોળમાં કરુણાસાગર ભગવાન શ્રી સ્વામિનારાયણે પરોપકારના અનેક કાર્યો શરૂ કર્યાં હતાં. અહીં રામાનંદ સ્વામી વખતથી સદાવ્રત ચાલતું હતું. સોમનાથથી દ્વારિકા જતા તીર્થયાત્રીઓની આગતા સ્વાગતા થતી હતી. ભગત ભિખારી, આવાં સદાવ્રતો ઠેર ઠેર ચાલતાં હતાં.

માંગરોળમાં એક પુરાતન વાવ હતી, જે પડતર હાલતમાં હતી. ગાળથી બુરાઇ ગયેલી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણે એ વાવનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સંતો અને ભક્તો વાવનો ગાળ ટોપલે ટોપલે બહાર કાઢતા હતા. સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના માથા ઉપર ગાળના ટોપલા લેતા હતા.

ભગવાન શ્રી સ્વામિનારાયણે વાવનો જીર્ણોદ્ધાર કર્યા પછી મોટા પાયા ઉપર પૂર્ત મહોત્સવ કરાવ્યો હતો. આ વાવના જીર્ણોદ્ધારથી માંગરોળવાસીઓનું પાણીનું સંકટ દૂર થયું હતું.

ભગવાન શ્રી સ્વામિનારાયણની સર્વજીવ હિતાવહ સેવા પ્રવૃત્તિઓનો આરંભ માંગરોળથી થયો હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણના વ્યક્તિત્વથી લોકોત્તર ઐશ્વર્યો અને કલ્યાણકારી પ્રવૃત્તિઓથી માંગરોળના નવાબ પણ એમને ભારે આદરથી માનતા હતા અને એ પરંપરા આજે પણ એમના વંશજોમાં જળવાઇ રહેલી છે.

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી એસ.જી.વી.પી, ગુરુકુળ, છારોડી.

You might also like