સ્વામિનારાયણ મહામંત્રનું માહાત્મ્ય

કળિયુગની અંદર ભગવાનના નામનું સંકીર્તન કરવાથી તરી જવાય છે. કળિયુગમાં ભગવાનનું નામ જપ જેવું સરળ અને શ્રેષ્ઠ બીજું કોઈપણ સાધન નથી. ગોસ્વામી તુલસીદાસજી બાલકાંડમાં મંત્રજાપનો મહિમા વર્ણવતાં કહે છે કે, અજામિલ, ગજેન્દ્ર (હાથી) તથા વેશ્યા પણ શ્રી હરિનાં નામનું સ્મરણ કરવાથી જ મુક્ત થયાં છે એટલું જ નહીં. પરંતુ ચારે યુગોમાં પણ સ્મરણ કરવાથી જે સૌ મુક્ત થયાં છે. નામનો જપ કરી જીવો શોક રહિત થયા છે. આવા ભયંકર કળિયુગમાં નામ જ કલ્પવૃક્ષ છે. કારણ કે તેનું સ્મરણ કરતાં જ જગતની સમગ્ર જંજાળો નાશ પામે છે. આ દુનિયાની અંદર મનુષ્ય જન્મ પામીને મુખ્ય કાર્ય મુક્તિ મેળવવાનું છે અનેક કાર્યો કર્યાં પરંતુ જો ભગવાન નામસ્મરણ ન થયું. મંત્રજાપ ન થઈ શક્યા તો મનુષ્ય જન્મ એળે ગયો કહેવાય. ખાવું-પીવું, હરવું, ફરવું પૈસા કમાવા એ કોઈ જીવન નથી.

અનંત જન્મો ધર્યા પછી મનુષ્ય જન્મ મળે છે અને મનુષ્ય જન્મ મળ્યા પછી માણસની બુદ્ધિનું ફળ શું છે? તો શાસ્ત્રકારો કહે છે કે સાંસારિક વિષયોમાંથી આસક્તિ તોડીને ભગવાનમાં રતિ કહેતાં પ્રીતિ કરવી એ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો તેનું ફળ છે. એટલે કે દરેકનો અંતિમ ધ્યેય ભગવાનમાં પ્રીતિ કરવાનો હોવો જોઈએ. ગુરુ નાનક કહે છે કે, આ દુનિયામાં આવીને લૂંટવા જેવું હોય તો ભગવાનનું નામ છે અને જે ભગવાનના નામને લૂંટતો નથી તે ખૂબ પસ્તાય છે. ભગવાનના નામનો નશો કરવા જેવો છે એ નામનો જેને કેફ ચડે છે તેને નશો રાત અને દિવસ સતત રહે છે. જ્યારે ઘણા મનુષ્યો ભાંગ-તમાકુનો નશો કરે છે પરંતુ તે તો પ્રભાતે ઊતરી જાય છે પણ જીવનમાં મુક્તિ મેળવા માટે ભગવાનના નામનો નશો કરવો.

સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામી બાપા કહે છે કે, પ્રગટ ભગવાનનું નામ લેવાથી જે ફળ મળે છે. તે કોઈ સાધનોથી મળતું નથી. હરિજ્ઞાનામૃત કાવ્યમાં માટે જ કહ્યું છે કે, શુભમાં શુભ એવા કલ્યાણકારી સ્વામિનારાયણ મંત્રનો જાપ કરો અને તે નામ પણ નામીને સહિત લેવું એટલે કે ભગવાનની સ્મૃતિએ સહિત મંત્રજાપ કરવો. મોઢામાં મંત્ર જાપ ચાલો હોય અને મન બીજે ભટકતું હોય તો તે યથાર્થ ફળને આપનારું થતું નથી. જ્યારે નામ સ્મરણ કરવું ત્યારે ભગવાનના સ્વરૂપમાં ઓતપ્રોત થઈ ભગવાનની મૂર્તિમાં રહી તેમનું ધ્યાન કરતાં કરતાં સ્મરણ કરું તો આધ્યાત્મિક. આધિભૌતિક અને આધિદૈવિક એ ત્રણે તાપની નિવૃત્તિ થઈ જાય છે અને અત્યંત સુખ શાંતિ મળે છે.

પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં હરિ, કૃષ્ણ, ઘનશ્યામ, નીકલંઠ, સહજાનંદ એવાં અનેક નામો માતા પિતાએ તથા ગુરુ રામાનંદ સ્વામીએ પાડ્યાં હતાં છતાં પોતાનું ‘સ્વામિનારાયણ’ નામ ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાનને સંવત્ ૧૮૫૮ની માગશર વદ એકાદશીના રોજ ફણેણીમાં પ્રસિદ્ધ કર્યું અને પોતાના આશ્રિતજનોને તે દિવસથી ‘સ્વામિનારાયણ’ મંત્રની માળા ફેરવવાનો આદેશ આપ્યો છે ત્યારથી આજ દિન સુધી સૌ સંતો હરિભક્તો સ્વામિનારાયણ મંત્રનો જાપ અને માળા કરે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ મંત્ર આપ્યો ત્યારે સ્વમુખે મંત્રનો મહિમા વર્ણવ્યો કે, જેણે જેણે સ્વામિનારાયણ મંત્રનું સ્મરણ કર્યું હશે તેનાં બધાં પાપ બાળીને હું પોતે સ્વયં અંતકાળે આવી તેના અનેક અપરાધો હશે તે માફ કરી મારા અક્ષરધામમાં લઈ જઈ મારી મૂર્તિનું દિવ્ય સુખ આપીશ.

તેથી આજેય શાસ્ત્રો સંતો હરિભક્તો અને ઈતરજનો આ વાતના સૌ સાક્ષી છે કે, જે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે છે તેને ખુદ સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાનાં ધામમાં તેડી જાય છે અને તેથી જ સારાય ભારત દેશમાં અને વિશ્વમાં સૌ કોઈ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરી મુક્તિ મેળવે છે.•
શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર

You might also like