સ્વામિનરાયણ મહામંત્ર પ્રકાશ…

રામનંદસ્વામીના અંતર્ધાન થયા બાદ એમના ચૌદમાના દિવસે નીલકંઠવર્ણીએ ફરેણીમાં વિશાળ સભા કરી. સત્સંગીઓનાં શોકાતુર હૈયાંને શાંત કર્યાં. ધર્મપાલનનો ઉપદેશ કર્યો અને કહ્યું કે, “આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં ભગવાનના વિવિધ નામોના જપ-આરાધના અને સંકીર્તન થાય છે. એક ઘરમાં ભોજન અને ભજનની એકસૂત્રતા હોય, તો સર્વને આનંદ આવે. માટે આપણા સંપ્રદાયમાં જો એક જ મંત્રનું ભજન થાય, તો બધાને વધારે સમાસ થાય.”

ભક્તજનોએ કહ્યું, “વર્ણીરાજ ! સદ્ગુરુ રામાનંદ સ્વામીએ અમારા હાથ તમારા હાથમાં સોંપ્યા છે, એટલે હવે તમે જેમ આજ્ઞા કરશો તેમ જ થશે. આપ જ કહો કે અમારે ક્યા મંત્રનો જપ કરવાનો છે ?” ભગવાન નીલકંઠવર્ણી બોલ્યા, “આજથી સર્વેએ ‘સ્વામિનારાયણ’ મહામંત્રનો જપ કરવો.”

નીલકંઠના મુખેથી સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્દઘોષ થયો, એ જ સમયે ચારેય દિશાઓ સ્વામિનારાયણ…. સ્વામિનારાયણ મહામંત્રથી ગૂંજી ઊઠી ! સંતો ભક્તોનો વિશાળ સમુદાય સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવા લાગ્યો. સાગરની ગર્જના જેવા આ બ્રહ્મ પડછંદાઓ દશે દિશાઓમાં પ્રસરવા લાગ્યા ! મહામંત્રનું સંકીર્તન કરતાં કરતાં ભક્તજનો ભાવવિભોર થયા અને કેટલાકને સમાધિ લાગી ગઇ !’ ભક્તોનાં અંતરમાં આ મંત્ર વિશે જાત જાતની જિજ્ઞાસાઓ ઊઠી રહી હતી. ‘નીલકંઠ બ્રહ્મચારી કોઇ દિ સાંભળ્યો ન હોય એવો આ નવો મંત્ર ક્યાંથી લાવ્યા? સ્વામિનારાયણ મંત્રનો અર્થ શું ? સ્વામિનારાયણ એટલે કોણ ? વગેરે. સભામાં બેઠેલા સર્વ ભક્તજનો વતી મુક્ત મુનિએ નીલકંઠવર્ણીને પૂછ્યું, “વર્ણીરાજ ! આપની આજ્ઞાથી અમે બધા સ્વામિનારાયણ મહામંત્રનું ભજન તો શરૂ કર્યું, પરંતુ અમને સમજાતું નથી કે આ નવો મંત્ર તમે ક્યાંથી લાવ્યા ?”

નીલકંઠવર્ણી હસીને બોલ્યા, “મુનિવર ! આ મંત્ર નવો નથી. આ મંત્ર તો જુગ જૂનો છે. આ મંત્ર અમે વેદમાંથી લીધો છે.”

“વેદો પરબ્રહ્મ પરમાત્માને ‘નારાયણ’ નામથી પુકારે છે. વેદોની શ્રુતિઓમાં નારાયણ મંત્રનો મહિમા અભરે ભર્યો છે.” “જ્યારે મહાપ્રલયનો સમય હતો, ત્યારે જીવ પ્રાણીમાત્ર માયાના ગર્ભમાં લીન હતા અને એ મહામાયા પણ અક્ષર બ્રહ્મના એક દેશમાં લીન હતી. એ સમયે નિત્ય શુદ્ધ અને સર્વના પ્રકાશક એવા એક માત્ર ભગવાન નારાયણ જ હતા, પરંતુ બ્રહ્મા, શંકર, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, આકાશ, પૃથ્વી, નક્ષત્રો વગેરે કોઇ ન હોતું.

લે. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી
એસ.જી.વી.પી. ગુરુકુલ, છારોડી

You might also like