ભગવાન સ્વામિનારાયણની કથા સાંભ‍‍‍‍ળવાની અનોખી પ્રીત

ભગવાન શ્રી સ્વામિનારાયણને કથા શ્રવણમાં જબરી રુચિ હતી. પોતે સહજ જ્ઞાન સ્વરૂપ હતા, છતાં એમની પાસે દરરોજ શ્રીમદ્ ભાગવત વગેરે વિવિધ શાસ્ત્રોની કથાઓ થયા જ કરતી હતી. કથા શ્રવણ કરતાં કરતાં વચ્ચે તેઓ શાસ્ત્રોના મર્મોને સમજાવતા જતા હતા અને ઘણી વાર પોતે મોડી રાત સુધી કથા વાર્તા કરતા રહેતા હતા.

ક્યારેક તો ભારે રમૂજ થતી. કથા શ્રવણ કર્યા પછી તેઓ જમવા બેસે, ત્યારે પણ એમનું ચિત્ત તો કથાના વિષયમાં જ પરોવાયેલું રહેતું. પરિણામે તેઓ જમતાં જમતાં પણ અચાનક ‘હરે હરે’ બોલવા માંડતા. મહારાજના મુખથી ભોજન સમયે ‘હરે હરે’ શબ્દ સાંભળી હરિભક્તો આશ્ચર્યથી એમની સામે જોવા માંડતા અને મહારાજ પણ વાસ્તવિકતાનું ભાન થતાં હસવા માંડતા!

પોતે કથા વાર્તા કરતા હોય, કીર્તન સાંભળતા હોય, કંઈક મનન ચિંતન કરતા હોય ત્યારે વચ્ચે કોઈ વિક્ષેપ કરે એ તેમને રુચતું નહીં. આવા સમયે કોઈ આવીને હાર પહેરાવે, પૂજા કરવા આવે કે જમવાનું પૂછવા આવે તો પોતે ખીજાઈ જતાં અને રીસાઈ પણ જતા. આશ્ચર્યની વાત એ છે કે એમના કોપ અને રીસ ક્ષણિક રહેતાં.

સાહિત્યકારોએ મહાપુરુષો માટે પણ કહ્યું છે, વજ્રાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ એ જ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણ ક્યારેક ઉપરથી કઠોર ભાસતા પણ અંદર તો કમળથી પણ કોમળ હતા. એમની કઠોરતા નાળિયેરના કોચલા જેવી ઉપર ઉપરની હતી, અંદર તો તેઓ ભારે મુલાયમ અને રસસભર હતા.•

શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી એસજીવીપી,ગુરુકુળ, છારોડી.

You might also like