દાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત

દાદા ખાચર ભગવાન શ્રીસ્વામિનારાયણના શ્રેષ્ઠ ભકત હતા. તેમણે અને તેમના કુટુંબે ભગવાન શ્રીસ્વામિનારાયણને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. આ દાદા ખાચર ગઢપુર તાલુકાના રાજા હતા. તેમને શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મોટા ભકતરાજ માનવામાં આવે છે.

તેમના ભકિતભાવને વશ થઇ ભગવાન ત્યાં સત્સંગનું કેન્દ્ર બનાવી 29 વર્ષ રહ્યા હતા. તેમનો દરબાર ગઢ હજુ ગઢપુરમાં ઉપલબ્ધ છે. ત્યાં ભગવાન શ્રીસ્વામિનારાયણે મોટું મંદિર આ દાદા ખાચરના કહેવાથી બનાવેલ છે.આ દાદા ખાચર “અર્જુન”નો અવતાર કહેવાય છે. તેમના વંશજો હાલમાંય છે તે તેમની જેવા જ ખૂબ ભકિત ભાવવાળા છે.

દાદા ખાચરનાં ધર્મપત્ની કુમુદબાને કંઈ સંતાન ન હતું. તેથી કુમુદબાની આગ્રહભરી આજીજીને લીધે મહારાજે દાદાને ફરી પરણવાનો વિચાર કર્યો. આ માટે મહારાજે પહેલા દાદાની સંમતિ મેળવી અને પછી ભટવાદરના દરબાર નાગપાલ વરુની દીકરી જસુબા સાથે તેમનું સગપણ કર્યું.

ઘણી આનાકાની પછી દાદાએ આ લગ્ન માટે મહારાજને એ શરતે સંમતિ આપી હતી કે જો આપ જાનમાં પધારો, મારો રથ ચલાવો તો જ હું લગ્ન કરવા જઈશ. સં. ૧૮૮૧નો વસંત પંચમીનો મહોત્સવ ગઢપુરમાં ધામધૂમથી ઊજવી મહારાજ ત્યાં આવેલા સર્વે સંત હરિભક્તોને દાદા ખાચરની જાનમાં લઈને મહા સુદ આઠમને દિવસે ભટવદર જવા માટે તૈયાર થયા.

મહારાજે સોનેરી મોતીડે મઢેલી પાઘ તથા કાનમાં મોતી જડિત સુંદર કુંડળ પહેર્યા હતાં. દાદા ખાચરને શણગારેલા રથમાં બેસાડી શ્રીજી સ્વયં એ રથ હાંકવા બેઠા. એ દિવ્ય દૃશ્યનું દર્શન કરવા પાર્ષદો પોતાના ઘોડા આગળ લાવ્યા. સંતો, હરિભક્તો પણ પોતાના વાહનોમાંથી ઊતરી દાદાના રથ પાસે આવી ગયા. મહારાજે બળદની રાશ હાથમાં પકડી હતી. તેમના મુખારવિંદ ઉપર આજે અપાર આનંદ હતો. દાદાના સંસારના સારથિ‌ બની પ્રભુએ આજે પોતાનું ભક્ત વત્સલપણું વ્યક્ત કર્યું હતું.

ગઢડામાં એભલ ખાચરની જમીનના બે ભાગીદારો હતા. એક દાદા ખાચર અને બીજા જીવા ખાચર. બંને સહજાનંદ સ્વામીના પરમ ભક્તો. છતાં સ્વામીજીને દાદા ખાચર પ્રત્યે વધુ લાગણી હતી. જીવા ખાચરને ઘણી વાર થતું કે હું પણ દાદા ખાચર જેવી જ ભક્તિ કરું છું તો સ્વામીજી આવો ભેદ કેમ કરતા હશે ? એકવાર સ્વામીજી એ બંને સાથે ધર્મ વાર્તાલાપ કરતા હતા ત્યાં એકાએક વંટોળ આવ્યો. તેઓ સત્સંગ કરતા હતા તેની સમીપમાં માર્ગ પર કોઇ સાધુ રસોઇ કરતો હતો પણ પવનને કારણે ચૂલાનો અગ્નિ વારંવાર ઓલવાઇ જતો અને ધુમાડો થતો.

અગ્નિને ફૂંકી ફૂંકીને સાધુની આંખો લાલચોળ થઇ ગઇ હતી અને આંખમાંથી પાણી વહી જતું હતું.સહજાનંદ સ્વામીએ આ જોયું એટલે જીવા ખાચરને કહ્યું- ‘તમે આ સાધુઓને માટે કોઇ ધર્મશાળા બનાવી આપોને?’ જીવા ખાચરે કહ્યું ‘આવા તો કેટલાય સાધુઓ-વૈરાગીઓ રસ્તા પર ફરતા રહેતા હોય છે. એમને માટે ધર્મશાળા બનાવવા હું કંઇ નવરો નથી.એ પછી સહજાનંદ સ્વામીએ દાદા ખાચરને કહ્યું- ‘તમને શું લાગે છે? તમારી આ સાધુઓને માટે ધર્મશાળા બનાવવાની ઇચ્છા ખરી?’

દાદા ખાચરે તરત જવાબ આપ્યો- ‘મહારાજ, એમાં ધર્મશાળા બંધાવવાની ક્યાં જરૂર છે?’ સ્વામીજીએ પૂછયું- ‘કેમ, જરૂર નથી ?’ દાદા ખાચરે કહ્યું-‘ધર્મશાળા બંધાવા જેટલો સમય વીતાવવાની ક્યાં જરૂર છે ? હું મારું ઘર જ એમને આપી દઉં છું !’સહજાનંદ સ્વામીએ કહ્યું- ‘તમારું ઘર આપી દેશો તો તમે ક્યાં રહેશો ?’ દાદા ખાચરે કહ્યું- ‘હું તમારા ભેગો રહીશ ! બટકું રોટલો તો મળી જ રહેશે !’ સહજાનંદ સ્વામીએ જીવા ! ખાચર તરફ જોયું અને કહ્યું- ‘જીવા ખાચર, હવે તમને સમજાયું ને કે હું દાદા ખાચર પ્રત્યે કેમ વધુ પ્રેમભાવ ધરાવું છું ?

જીવા ખાચરે માથું નમાવીને કહ્યું- ‘ખરું છે, મારા કરતાં દાદા ખાચરની ભક્તિ ચાર વેંત ઊંચી છે !’સંવત ૧૮૮૬ જેઠ સુદ દશમ, મંગળવાર, દાદા ખાચરની અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ સ્વધામ સિધાવી ગયાં. દાદા ખાચરથી આ વિયોગ ન ખમાયો.મૂર્છિત થઈ ગયા. ગોપાળાનંદ સ્વામીએ તેમને લક્ષ્મીવાડીની બેઠકે મોકલ્યા. દાદા ખાચર ત્યાં ગયાં.

શ્રી હરિ પણ ત્યાં હાજર હતા. તેમણે દાદા ખાચરને કહ્યું, હું તો ક્યાંય ગયો નથી. અને જવાનો પણ નથી. સત્સંગમાં અને ગોપીનાથજી દેવમાં હું અખંડ રહ્યો જ છું. મૂંઝવણ થાય ત્યારે ગોપીનાથજી મહારાજ પાસે જવું.આમ બોલીને શ્રી હરિએ દાદા ખાચરને તાજા ગુલાબનો હાર આપ્યો. ગુલાબની તાજગીએ તેમને શ્રી હરિના શરણમાં લીન કર્યા.

You might also like