બ્રાહ્મણ દંપતીની લાજ રાખવા ખુદ પધાર્યા પુરુષોત્તમ

ભૃગુપુર ગામમાં એક બ્રાહ્મણ-બ્રાહ્મણી રહે. પતિ-પત્ની બહુ ધર્મિષ્ઠ અને ધર્મધ્યાન કરનાર, સંપત્તિ તો ઘણી પણ સંતતિ નહી. શેર માટીની ખોટ.

એવામાં પાવન પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણી વિચાર કરે છે કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો દીકરાની વહુ આવત.વહુ ઘરનું કામ કરત અને હું નિરાંતે પ્રભુનું ભજન કરત. રાંધવા-ચીંધવાની કડાકૂટ ન રહે અને હેઠા હૈયે કથાવાર્તા સંભળાય.

બ્રાહ્મણીએ મનની વાત પતિને કરી. બ્રાહ્મણ તો હસવા લાગ્યો. “ગાંડી થઈ છે કે શું ? આપણે રહ્યા વાંઝિયા ! દીકરો હોય તો વહુ આવે, દીકરો વગર વહુ આવે ખરે ?” પણ બ્રાહ્મણી તો હઠે ભરાણી કે હવે તો આ ઘરમાં વહુ આવે તો જ હા, નહીતર ના. દીકરા હોય એ તો વહુ લાવે, પણ વગર દીકરે વહુ લાવે તો જ ખરા કહેવાય. તમે વહુ લાવો તો જ અન્ન લઈશ નહી તો પ્રાણ છોડી દઈશ.

બ્રાહ્મણ તો મૂંઝાણો ! ત્યારે બ્રાહ્મણીએ ઉપાય દેખાડ્યો કે ‘તમે કન્યા શોધી કાઢો. કન્યાના મા-બાપ પૂછે કે વર ક્યાં છે ? ત્યારે કહેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે. એની પોથી છે એની સાથે કન્યા ત્રણ ફેરા ફરે. ચોથો ફેરો દીકરો કાશીએથી આવીને ફરશે.’

બ્રાહ્મણના ગળે વાત ઊતરી ગઈ. એ તો નીકળ્યો કન્યા શોધવા. ગામે ગામ ફરતો ત્રંબાવટી નગરીમાં આવ્યો. એક બ્રાહ્મણના ઘેર રાતવાસો કર્યો. રાતે વાળુ-પાણી કર્યા, પછી વાત નીકળી. એ બ્રાહ્મણના ઘરમાં જ કન્યા હતી. બ્રાહ્મણે કન્યા જોઈ. રૂપ રૂપના અંબાર જેવી સદ્ગુણી કન્યા જોઈને બ્રાહ્મણનું મન માની ગયું. કન્યાના પિતાએ પણ હા પાડી.

ઘડિયા લગ્ન લેવાયાં. પોથી સાથે ફેરા ફરીને કન્યા સાસરે આવી ! બ્રાહ્મણીના હરખનો પાર ના રહ્યો. એણે તો ઘરની બધી જવાબદારી વહુને સોંપી દીધી અને પોતે ધર્મ-ધ્યાનમાં લાગી ગઈ. વહુએ આવતાં વેંત જ ઘર સંભાળી લીધું. સાસુ સસરાની ખરા દિલથી સેવા કરતી. પુરુષોત્તમ માસ શરૂ થતાં બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા જાય. વાર્તા સાંભળે, દેવદર્શન કરે અને બપોરે ઘેર આવીને તૈયાર ભોજન જમે.

એક દિવસ બ્રાહ્મણ-બ્રાહ્મણી નદીએ નાહવા ગયાં. પાછળથી પડોશણ દેવતા લેવા આવી. વહુને જોઈને પૂછવા લાગી કે તું કોણ છે? વહુ તો બોલી કે હું આ ઘરની વહુ છું. ત્યારે પડોશણે ખડખડાટ હસીને મહેણું માર્યું કે બ્રાહ્મણ-બ્રાહ્મણી તો વાંઝિયા છે. તેને વળી દીકરો કેવો ને વાત કેવી ?

વહુ તો બિચારી રડવા લાગી. સાસુ સસરા આવ્યા એટલે બધી વાત કરી. બ્રાહ્મણી પડોશણને ‘જૂઠ્ઠી-અદેખી, કોઇનું સારું જોઇ શકતી નથી’ તેમ કહી ભાંડવા લાગી. પછી વહુને રાજી રાખવા સાત ઓરડાની ચાવી આપતાં કહ્યું, ‘છ ઓરડામાં ખાવા-પીવાની, પહેરવાની-ઓઢવાની ચીજ છે. ખાજો-પીજો, પહેરજો-ઓઢજો પણ સાતમો ઓરડો ખોલશો નહી.’

વહુએ તો ચાવીઓ લઈ લીધી. પહેલો ઓરડો ખોલ્યો. એમાં મેવા-મીઠાઈ હતાં, બીજામાં હીરનાં ચીર, ત્રીજામાં હીરા-માણેક, એમ છ ઓરડા જોઈ લીધા. પછી સાસુની શિખામણ ભૂલીને સાતમો ઓરડો ખોલ્યો તો અંદર એક દિવ્ય પુરુષ બેઠો બેઠો પોથી વાંચે છે. દેવતાઈ રૂપ છે. વહુને જોતાં જ એ પુરુષ બોલ્યો: “ઉઘાડ્યાં છે એવાં જ બારણાં બંધ કરો. મારા માતા પિતાનું વ્રત તૂટશે. મારો પાઠ અધૂરો રહેશે. વ્રત પૂર્ણ થયે હું તમારી સાથે ચોથો ફેરો ફરીશ.”

વહુની આંખમાં હરખનાં આંસુ આવે ગયાં. પોતે સાતમો ઓરડો ઉઘાડ્યો છે એ વાત સાસુને ના કરી. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. વહુએ સાસુને કહ્યું કે ‘હવે તમારા દીકરાને બોલાવો એટલે મારાં અધૂરાં લગ્ન પૂર્ણ થાય.’

બ્રાહ્મણ-બ્રાહ્મણી મુંઝાયા. દીકરો તો હતો નહીં તો લાવવો ક્યાંથી ? બંને ઝેર ઘોળવાનો વિચાર કરતા હતાં ત્યાં જ વહુએ જઈને સાતમો ઓરડો ખોલ્યો અને પતિને સાદ દીધો. સાદ દેતાં જ એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. બ્રાહ્મણ-બ્રાહ્મણી તો ફાટી આંખે તાકી રહ્યા. એ સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા, જે પોતાના ભક્ત આ વૃદ્ધ બ્રાહ્મણ દંપતીની લાજ રાખવા ખુદ પધાર્યા હતા. પ્રભુએ ચોથો ફેરો પૂર્ણ કરી મા બાપના આશીર્વાદ માગ્યા ત્યારે બ્રાહ્મણ-બ્રાહ્મણીની આંખો વરસી પડી. વહુ દીકરા સાથે સુખેથી જીવન વીતાવી બ્રાહ્મણ બ્રાહ્મણી અંતકાળે વૈકુંઠ પામ્યા.•

You might also like