રે સગપણ હરિવરનું સાચું….

લાડુદાનજી સંસારથી વિરક્ત થયા, એ વાત એમના મામાએ ખાણ ગામે પહોંચાડી. લાડુુદાનજીનાં માતા પિતાના હૈયામાં ભારે આઘાત લાગ્યો. તેઓ સ્વામીને મનાવવા ગઢપુર આવ્યા. લાડુદાનજીનું જેમની સાથે વાગ્દાન થયેલું એ મોજબાઇ અને એમની બહેનપણી ખીમબાઇ પણ લાડુદાનજીનાં માતા પિતાની સાથે ગઢપુર આવ્યાં. સગાં સંબંધીઓએ સ્વામીને સંસારમાં પાછા ફરવા માટે અતિ આગ્રહ કર્યો, પણ સ્વામી સહેજ પણ પીગળ્યા નહિ. સ્વામીએ સર્વને સ્પષ્ટ જણાવી દીધું.
રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું,
રે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાંગ્યું મન મિથ્યા ભાળી,
છે વરવા જેવા એક વનમાળી…રે સગપણ
બ્રહ્માનંદના મુખેથી ત્યાગ-વૈરાગ્યની અજોડ ખુમારી ભરેલાં વચનો સાંભળી મામા અને માવતરને થયું હતું કે ‘હવે આ દીકરો પાછો નહિ આવે.’ સ્વામીનાં મા લાલુબા ચોધાર આંસુડે રડતાં રડતાં બોલ્યાં, ‘મહારાજ ! મારો લાડુ તમારી પાસે રહેશે, તો એની મા કોણ થશે ? એને લાડ કોણ લડાવશે?’ લાલુબાની વાત સાંભળી મહારાજ ઊભા થયા, લાલુબાને ધીરજ આપી. પછી બ્રહ્માનંદ સ્વામીને બાથમાં લઇ ભેટ્યા અને બોલ્યા, ‘મા ! આજથી તમારા લાડુની મા અમે થઇશું. તમારા લાડુને લાડ અમે લડાવશું. મા ! લાડુદાન ઘરે રહેશે તો એક પરિવારનું કલ્યાણ થશે, અમારી પાસે રહેશે તો હજારો જીવોનાં કલ્યાણ કરશે. મા ! ચારણ કુળનો ઇતિહાસ તો બલિદાનોથી ભરેલો છે.
અસંખ્ય જીવોનાં કલ્યાણ માટે આ લાડુદાન અમને સોંપી દ્યો.’ ભગવાન શ્રી સ્વામિનારાયણનું એક એક વચન લાલુમાના હૈયામાં વસી રહ્યું હતું. આખરે એ જનેતાએ મન કઠણ કરી નિર્ણય કર્યો અને પોતાના લાડકા લાડુદાનને મહારાજનાં ચરણે સમર્પણ કરી દીધો. માતા-પિતા, સગાં-સંબંધીઓ થોડા દિવસ ગઢપુર રહ્યા પછી નિરાશ હૈયે પાછા ગયાં, પરંતુ અજોડ ઘટના તો હવે બની. બ્રહ્માનંદ સ્વામીના ત્યાગ-વૈરાગ્યનાં વચનોથી ખીમબાઇ અને મોજબાઇના અંતર ભેદાઇ ગયાં હતાં. આ બંને બહેનોએ આજીવન સંસાર હરામ કર્યો હતો અને આજીવન બ્રહ્મચારિણી રહી સાંખ્યયોગ પાળ્યો હતો. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજના સાંનિધ્યમાં રહીને સંન્યાસનો માર્ગ દીપાવ્યો હતો, જ્યારે બંને બહેનોએ સંસારમાં રહીને પણ સંન્યાસીઓ કરતાંય શ્રેષ્ઠ જીવન જીવી જાણ્યું હતું.•
શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી, ગુરુકુળ, છારોડી, મેમનગર.

You might also like