દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ સત્તા, સંપત્તિ અને સિદ્ધિઓ પચાવવી કઠણ છે

સત્તા સંપત્તિ અને સિદ્ધિઓ સહેલી છે, પચાવવી કઠણ છે. સત્તા સંપત્તિ અને સિદ્ધિઓને લીધે ભલભલાનાં અંતરમાં અહંકાર આવી જતો હોય છે. પર્વતભાઇએ પોતાની સિદ્ધિઓને પચાવી જાણી હતી. આટલી ઊંચી સ્થિતિ હોવા છતાંય પર્વતભાઇ સાધારણ સેવકની જેમ જીવતા હતા.

ભકિત માર્ગમાં દાસ્ય ભક્તિનું ભારે મહત્ત્વ છે. અહંકારને શ્રીફળની જેમ વધેરી નાખવાની હિંમત હોય, એ ભક્ત જ દાસ્ય ભક્તિ કરી શકે છે.

ભગવાની શ્રી સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે, “ભગવાનનો રાજીપો જેવો નિર્મળ સેવક ઉપર થાય છે, તેવો બીજા ઉપર થતો નથી.”

ભાગવતજીમાં વૃત્રાસુરે ભગવાનની પ્રાર્થના કરતા કહ્યું છે કે, “દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ।” (ભાગવત-સ્ક-૩, અ-૧૧, શ્લોક-ર૪)

“હે ભગવન્ ! મને વારંવાર તમારા દાસનો દાસ બનાવો.” પર્વતભાઇમાં દાસત્વભક્તિ સહજ સિદ્ધિ હતી. એકવાર ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન હતા. કાઠી દરબારો ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શને આવી રહ્યા હતા.

આજે ભગવાન શ્રી સ્વામિનારાયણ આ બધા ભક્તોની અનોખી પરીક્ષા લઇ રહ્યા હતા. જે કોઇ આવે એને મહારાજ પ્રશ્ન કરતા હતા, “દરબાર! તમે દાદા ખાચરના ગોલા થશો ?”

દરબારોનો લગભગ એક સરખો ઉત્તર હતો, “મહારાજ! એ તમારા ગોલા થઇએ, પરંતુ દાદા ખાચરના ગોલા અમારાથી ન થવાય !”

એવામાં પર્વતભાઇ આવ્યા. મહારાજે એમને પૂછ્યું, “પર્વતભાઇ! તમે દાદા ખાચરના ગોલા થશો.” પર્વતભાઇએ કહ્યું, “મહારાજ! હું જરૂર દાદાનો ગોલો થઇશ.”

મહારાજે હસીને કહ્યું, “પણ પર્વતભાઇ! આ અમારા ગોલા થવાની વાત નથી, દાદા ખાચરના ગોલા થવાની વાત છે. !”

પર્વતભાઇએ કહ્યું, “મહારાજ ! અમે આખી જિંદગી બૈરાં છોકરાંના ગોલાપા કરીએ જ છીએ! એના કરતાં દાદા ખાચર જેવા ભકતના ગોલા થવાનું મળે, એ તો અમારાં સદ્ભાગ્ય ગણાય! ભક્તના ગોલાપા ક્યાંથી?” પર્વતભાઇની વાત સાંભળી મહારાજ અત્યંત રાજી થયા.

ભીમભાઇ, પર્વતભાઇ વગેરે ભક્તજનો પ્રેમને વશ થઇને ભગવાન શ્રી સ્વામિનારાયણ અનેકવાર અગતરાઇ પધાર્યા હતા અને અગતરાઇને ઉત્તમ તીર્થ બનાવ્યું હતું.•
શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી એસજીવીપી, ગુરુકુળ. છારોડી

You might also like