ભાજપે સ્વામીપ્રસાદ મૌર્ય માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા

નવી દિલ્હી: બહુજન સમાજ પાર્ટી (બસપા)માંથી બળવો પોકારીને પક્ષ સાથે છેડો ફાડી નાખનાર સ્વામીપ્રસાદ મૌર્ય માટે ભાજપે પોતાના દરવાજા ખોલી નાખ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે ભાજપની મૌર્યની એન્ટ્રી લઈને સૈદ્ધાંતિક રીતે સંમતિ સઘાઈ છે. તેઓ ફરી વાર ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરનાર છે.

મૌર્યએ જણાવ્યું હતું કે જુલાઈમાં આગળના પગલા અંગે નિર્ણય લેવામાં આવશે, જોકે દિલ્હી આવેલા મૌર્યએ આ અગાઉ ભાજપ સાથે હાથ મિલાવવાના પ્રશ્ન પર મૌન ધારણ કર્યું હતું. તેમણે ભાજપના નેતા ઓમ માથુર સાથેની પોતાની મુલાકાતના સમાચારને વાહિયાત ગણાવીને તેને રદિયો આપ્યો હતો.

બસપાનાં પ્રમુખ માયાવતી પર હુમલો કરનાર મૌર્યએ જણાવ્યું હતું કે તેઓ પોતાના આગામી પગલા અંગે જુલાઈમાં નિર્ણય કરશે. ૧ જુલાઈએ મૌર્યએ લખનૌ ખાતે પોતાના સમર્થકોની બેઠક બોલાવી છે. આ બેઠકને તાકાતના પ્રદર્શનનો શો હોવાનું ગણાવવામાં આવી રહ્યું છે. જો સારું સમર્થન મળશે તો સ્વામીપ્રસાદ મૌર્ય પોતાના અલગ પક્ષની પણ રચના કરી શકે છે કે જેથી તેમની સ્થિતિ વધુ મજબૂત બને અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ભાજપ કે સપામાં જોડાઈ શકે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમાજવાદી પાર્ટી પાસેથી મોટી માગણી કરવાના કારણે મૌર્યનું તેની સાથે શેટિંગ થઈ શક્યું નહીં. ત્યાર બાદ મૌર્યએ સપાને ગુંડાઓની પાર્ટી ગણાવી હતી અને તેના વળતા હુમલા તરીકે સપાએ પણ મૌર્ય સામે નિશાન તાક્યું હતું.

You might also like