વિવાદાસ્પદ સ્વામી ઓમને ફરી વાર લોકોનો માર પડ્યો

નવી દિલ્હી: હંમેશાં વિવાદમાં ઘેરાયેલા રહેતા અને પોતાને સંન્યાસી ગણાવતા સ્વામી ઓમને ગઈ કાલે દિલ્હી ખાતેના એક કાર્યક્રમમાં માર પડ્યો હતો તેમજ ઉશ્કેરાયેલા ટોળાએ તેમની કારની તોડફોડ કરી હતી.  દિલ્હીના રણહૌલા વિસ્તારના વિકાસનગર ખાતે સત્યમ વાટિકામાં નાથુરામ ગોડસેની જયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં બિગબોસ સિઝન-૧૦ના સ્વામી ઓમબાબાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આ‍વ્યું હતું ત્યારે સ્વાગત માટે તેમને મંચ પર બોલાવવામાં આવતાં જ કાર્યક્રમમાં હાજર રહેલા લોકોએ સ્વામી ઓમને કાર્યકમમાં બોલાવીને નાથુરામ ગોડસે જેવી મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે તેમ કહી વિરોધ શરૂ કર્યો હતો અને સ્વામી સામે સૂત્રોચ્ચાર થવા લાગ્યા હતા, બાદમાં બેકાબૂ બનેલા લોકોએ સ્વામીને લાત અને ફેંટ મારવાનંુ શરૂ કરી દેતાં કાર્યક્રમમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દરમિયાન સ્વામી તેમની કારમાં બેસવા જતા હતા ત્યારે ટોળાએ કારની પણ તોડફોડ કરી હતી, જેમાં કારનો કાચ તૂટી જતાં તેમના ડ્રાઈવરને ઈજા થઈ હતી.

આ અગાઉ પણ ગત ૧૪ જાન્યુઆરીએ એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં સ્વામીએ એક મહિલા દર્શક સાથે ગેરવર્તન કરતાં કાર્યક્રમમાં હાજર રહેલા લોકોએ સ્વામી ઓમની મારપીટ કરી હતી. તે વખતે સ્વામી ઓમે કરેલી ટીકાથી દર્શકો ઉશ્કેરાઈ ગયા હતા. આ ઉપરાંત બિગબોસના ઘરમાં પણ યુવતીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરવા અને ખરાબ વર્તનના કારણે તેઓ વિવાદમાં આવ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like