વડિયા સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ પરિણીતા પર કારમાં બળાત્કાર ગુજાર્યો

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: સાધુ-સંત પર લાંછન લગાવતો એક કિસ્સો જૂનાગઢમાં પ્રકાશમાં આવ્યો છે. વડિયા સ્વામિનારાયણ મંદિરના સ્વામી આનંદસ્વરૂપદાસજીએ એક પરિણીતા પર ચપ્પાની અણીએ બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ જૂનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

મળતી માહિતી અનુસાર મૂળ પોરબંદરની અને હાલ જૂનાગઢમાં રહેતી એક પરિણીતાએ વડિયા સ્વામિનારાયણ મંદિરના સ્વામી આનંદસ્વરૂપદાસજીની સામે જૂનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ મહિલા અગમ્ય કારણસર તેના પતિથી અલગ રહે છે. મહિલાએ સ્વામી આનંદસ્વરૂપદાસજીના સંપર્કમાં આવી હતી અને તેના ઘરની મુશ્કેલીઓ કહી હતી. સ્વામીએ મહિલાને પતિ સાથે સમાધાનની વાત કરી વિશ્વાસ કેળવ્યો હતો.

ત્યારબાદ મહિલા અને સ્વામી આનંદસ્વરૂપદાસજી અવારનવાર મોબાઇલ પર વોટસએપ ચેટિંગ કરતા હતા. છ દિવસ પહેલાં જૂનાગઢના શિશુમંગલ રોડ પર સ્વામીએ મહિલાને છરી બતાવી કારમાં બેસાડી દીધી હતી અને ચાલુ કારમાં ડ્રાઇવર સામે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

બળાત્કાર ગુજાર્યા બાદ સ્વામી આનંદસ્વરૂપદાસજીએ મહિલાને તેની છોકરી ઉપાડી જવાની ધમકી આપી હતી. જૂનાગઢ સી-ડિવિઝન પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે મહિલાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઇ જઇ તપાસ શરૂ કરી છે.

You might also like