સ્વામી-ભારદ્વાજની મૈત્રી અને ગુપ્ત મિશન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સિક્રેટ મિશનને અંજામ આપવા આજકાલ બે જૂના મિત્રો એકદમ સક્રિય છે. જોગાનુજોગ ભૂતકાળમાં બંને દેશના કાયદાપ્રધાન રહી ચૂક્યા છે. રાજ્યસભામાં તાજેતરમાં પ્રવેશેલા સુબ્રહ્મણ્યમ સ્વામી અને હંસરાજ ભારદ્વાજ વચ્ચે આજકાલ મિલન-મુલાકાતોનો સિલસિલો વધી ગયો છે. બંને મિત્રો કાં તો ભારદ્વાજના ડિફેન્સ કૉલોનીના નિવાસસ્થાને મળે છે અથવા તાજ માનસિંહ હોટેલમાં ડિનર પર મળે છે. મામલો અગસ્તા-વેસ્ટલેન્ડનો હોય કે નેશનલ હેરલ્ડનો હોય સ્વામી ને ભારદ્વાજ સાથે ચર્ચા-વિચારણા કરતા જોવાયા છે.

યાદ રહે, ભારદ્વાજ સાથે મોદીને જૂની દોસ્તી છે. મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે કેન્દ્રમાં કાયદાપ્રધાન બનતાની સાથે જ તેમણે અમદાવાદ હાઈકોર્ટમાં નાઈટ-કોર્ટ શરૂ કરવાનું સૂચન કર્યું હતું અને મોદીએ તેનો તત્કાલ અમલ શરૂ કર્યો હતો. માહિતી તો એવી પણ છે કે કોંગ્રેસી ભારદ્વાજને ભાજપ પ્રમુખ અમીત શાહ સાથે પણ એટલા જ મધુર સંબંધો છે.

ભારદ્વાજ કર્ણાટકના રાજ્યપાલ હતા ત્યારે તેઓ દિલ્હીના કર્ણાટક ભવનમાં રોકાતા હતા ત્યારે અવારનવાર અમીત શાહના પુત્ર જયને તેમની સાથે મળતા જોવામાં આવ્યા છે. દિલ્હીમાં કર્ણાટક ભવન અને ગુજરાત ભવન બાજુબાજુમાં છે. કહેવાય છે કે દેશના વર્તમાન એટર્ની જનરલ અને સોલિસિટર જનરલ વિશે પણ સ્વામી-ભારદ્વાજની જોડીએ વડા પ્રધાનને એક ગુપ્ત અહેવાલ સુપરત કર્યો છે. ભારદ્વાજે આ અગાઉ પણ એકાદ-બે નિવેદનોમાં યુપીએ સરકારના કાર્યકાળની કેટલીત વિગતોનો ઘટસ્ફોટ કરીને કોંગ્રેસના મોવડીઓની મૂંઝવણ વધારી દીધી હતી.

You might also like