સ્વદેશી જાગરણ મંચના જીએસટીના અમલ સામે પ્રશ્ન

મુંબઇ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની આર્થિક શાખા સ્વદેશી જાગરણ મંચે નવી અપ્રત્યક્ષ કર વ્યવસ્થા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલ પૂર્વે અનેક સવાલ કરીને ચિંતા વ્યક્ત કરી છે. સ્વદેશી જાગરણ મંચનું કહેવું છે કે જીએસટીથી નાના કારોબારીઓ મુશ્કેલીમાં મુકાઇ જશે અને તેના કારણે ચીનમાંથી વિવિધ ચીજવસ્તુઓની આયાત વધશે.
મંચના સહસંયોજક અશ્વિની મહાજને કહ્યું કે જીએસટીના અમલને હવે આંગળાંના વેઢે ગણાય તેટલા જ દિવસો બાકી છે ત્યારે નાના અને મધ્યમવર્ગના વેપારીઓની ચિંતા વધી રહી છે. સ્વદેશી જાગરણ મંચ દ્વારા જ વિરોધ શરૂ કરાતાં સરકારની મુશ્કેલીઓ વધી રહી છે.

મહાજને દાવો કર્યો છે કે લઘુ ઉદ્યોગો માટે ૧.૫ કરોડ રૂપિયા સુધીના ઉત્પાદન પર એક્સાઇઝ ડ્યૂટીમાં રાહત આપવામાં આવતી હતી, પરંતુ જીએસટી કાયદામાં જોગવાઇ મુજબ કોઇ પણ યુનિટ કે જેનો કારોબાર ૨૦ લાખ રૂપિયા અથવા તેના કરતાં વધુ હોય તેવાં યુનિટોએ રાજ્યમાં જીએસટી અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ જોગવાઇના કારણે લઘુ અને કુટિર ઉદ્યોગ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થશે, જેના પગલે લઘુ ઉદ્યોગ પર નકારાત્મક અસર થવાના કારણે ગ્રામીણ વિસ્તારની રોજગારી ઉપર અસર થશે.

અમેરિકાની બિઝનેસ સ્કૂલોમાં GST અભ્યાસનો વિષય બની શકે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં કહ્યું છે કે ભારતમાં ૧ જુલાઇથી જીએસટી લાગુ થવા જઇ રહ્યો છે ત્યારે અમેરિકાની બિઝનેસ સ્કૂલોમાં જીએસટી અભ્યાસનો વિષય બની શકે છે. વિદેશ વિભાગના પ્રવક્તા ગોપાલ બાગલે દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટ અનુસાર વડા પ્રધાન મોદીએ અમેરિકામાં ઉદ્યોગગૃહોના ઉચ્ચ અધિકારીઓની બેઠક દરમિયાન આ વાત કરી હતી.
http://sambhaavnews.com/

You might also like