સ્વચ્છતા અેપમાં ‘ડર્ટી ગેમ’?

અમદાવાદ: કેન્દ્રના સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશનાં ૭૦૦ શહેરોને આવરી લઈ કેટલાક શહેરોમાં સ્વચ્છતા સર્વેક્ષણ ગત તા.૪ જાન્યુઆરી, ૨૦૧૭થી શરૂ કરાયું છે. અમદાવાદનો આગામી તા.૨૫ જાન્યુઆરી, ૨૦૧૭ બાદ વારો આવવાનો છે. દેશનાં સ્વચ્છ શહેરોમાં ટોચનું સ્થાન મેળવવા કોર્પોરેશનો વચ્ચે જબ્બર સ્પર્ધા જામી છે. ખાસ કરીને કેન્દ્રની ‘સ્વચ્છતા એપ’ના ડાઉનલોડની સંખ્યા તેમજ સ્વચ્છતા સંબંધી ફરિયાદોનું નિરાકરણ લાવવાની કામગીરીના આંકડા મોટા બતાવવા અમદાવાદ કોર્પોરેશન દ્વારા ‘ડર્ટી ગેમ’ અપનાવાઈ હોવાનું જણાતાં ભારે ખળભળાટ મચ્યો છે. ખુદ કેન્દ્રની તપાસમાં આ ગેરરીતિ બહાર આવી છે.

અમદાવાદને ‘સ્વચ્છ’ રાખવા પાછળ અત્યાર સુધીમાં મ્યુનિસિપલ તિજોરીમાંથી કરોડો રૂપિયાનું આંધણ કરાયું છે. અગાઉના કમિશનરોની જેમ વર્તમાન કમિશનર મૂકેશકુમારે પણ શહેરને ‘ક્લીનસિટી’ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે, પરંતુ વાસ્તવિકતા બિહામણી છે. વર્ષો બાદ પણ અમદાવાદ સ્વચ્છ-સુંદર તો થયું જ નથી, પરંતુ કેન્દ્રની ‘સ્વચ્છતા એપ’ને કાગળ પર સફળ બનાવવા માટે તંત્ર જહેમત ઉઠાવી રહ્યું છે. શહેરીજનોને શહેરને સ્વચ્છ રાખવાના મિશન સાથે સીધી રીતે જોડવાના આશયથી કેન્દ્ર દ્વારા ગત તા.૬ ઓગસ્ટ, ૨૦૧૭થી ‘સ્વચ્છતા એપ’ શરૂ કરાઈ છે, જોકે આવા સારા ઈરાદામાં પણ મ્યુનિસિપલ સત્તાવાળાઓ ‘ડર્ટી ગેમ’ રમ્યા છે.

સ્વચ્છ ભારત મિશન હેઠળનાં દેશનાં સાતસો શહેરની યાદીમાં અમદાવાદ સ્વચ્છતા એપના ઉપયોગમાં પ્રથમ નંબરે છે. અત્યાર સુધીમાં ૭૮,૦૦૦ અમદાવાદીઓએ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ શરૂ કર્યો છે, જોકે આમાં એક સામાન્ય અમદાવાદી તરીકે હરખાઈ જવાની લેશમાત્ર જરૂર નથી, કેમ કે ‘સ્વચ્છતા એપ’ને ડાઉનલોડ કરવાના મામલે મ્યુનિસિપલ સત્તાધીશોએ ગંદી રમત અપનાવી છે.

નવી દિલ્હી સ્થિત સ્વચ્છ ભારત મિશનના અધિકારીઓએ ‘સ્વચ્છતા એપ’ ડાઉનલોડ કરવાના મામલે કે ગંદકીની ફરિયાદના નિકાલ સંબંધી ગેરરીતિના મામલે દેશના ૨૧ અન્ય શહેરોની સાથે-સાથે અમદાવાદ કોર્પોરેશનની હાથચાલાકીને શોધી કાઢી છે.  અમદાવાદમાં એક જ મોબાઈલ પરથી સૌથી વધુ ૧૮૪ વખત સ્વચ્છતા એપને ડાઉનલોડ કરાઈ છે!

કચરાની ગાડી ન આવી હોય, પબ્લિક ટોઈલેટમાં વીજળી કે પાણી ન હોય, કચરાપેટીની સફાઈ ન કરાઈ હોય, કચરાના ઢગલા કે મરેલા પશુની ફરિયાદ જેવી ફરિયાદોને નાગરિક ‘સ્વચ્છતા એપ’ પર તસવીર સાથે મોકલાવી શકે છે, પરંતુ અમદાવાદમાં એક જ મોબાઈલ નંબર પરથી ૨૮૧ વખત ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળતાં સ્વચ્છ ભારત મિશનના કેન્દ્રીય અધિકારીઓ પણ હબક ખાઈ ગયા હતા.

સ્વચ્છ ભારત મિશન હેઠળ પોતાના શહેરનું રેન્કિંગ સુધારવાના પ્રયાસમાં સુરત, રાજકોટ, વાપી, ગોધરા, નવસારી, નવી મુંબઈ, પુણે, મૈસુર જેવા શહેરોએ પણ વ્યાપક ગેરરીતિ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે, પરંતુ અમદાવાદ કોર્પોરેશનના સત્તાવાળાઓએ તો સીમા બહારની હાથચાલાકી કરતાં કેન્દ્રનું શહેરી િવકાસ મંત્રાલયને પણ આની ગંભીર નોંધી લેવી પડી છે. કેન્દ્ર સરકારે આ અંગે મ્યુનિસિપલ તંત્ર સામે લાલ આંખ કરતાં ટોચના અધિકારીઓ પરસેવે રેબઝેબ થઈ ગયા છે.

સ્વચ્છતા એપમાં ૯પ ટકા ફરિયાદનો નિકાલ થતો હોવાનો તંત્રનો દાવો
અમદાવાદીઓને અનુભવ છે કે સ્વચ્છતા એપમાં પોતાના વિસ્તારની ગંદકીની ફરિયાદ આપ્યા બાદ પણ દિવસો સુધી આ ફરિયાદનું નિરાકરણ થતું નથી. તેમ છતાં તંત્રનો એવો દાવો છે કે સ્વચ્છતા એપમાં મોકલાવેેલી ફરિયાદ પૈકી ૯પ ટકા ફરિયાદનો નિકાલ કરાયો છે.

પચીસ દિવસમાં ૪૩,૦૦૦ નાગરિકોએ ‘એપ’ ડાઉનલોડ કરી!
કોર્પોરેશનના ગત તા.૨૫ ડિસેમ્બર, ૨૦૧૬ના રિપોર્ટ મુજબ ૨૮,૦૦૦ નાગરિકોએ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી હતી, જે સંખ્યા ગઈ કાલે એટલે કે તા.૧૦ જાન્યુઆરી, ૨૦૧૭એ ૭૧,૦૦૦ની થઈ છે એટલે કે છેલ્લા પચીસ દિવસમાં ૪૩,૦૦૦ નાગરિકોએ ‘સ્વચ્છતા એપ’ ડાઉનલોડ કરી છે.

અમદાવાદ કોર્પોરેશને કોઇ ગોટાળા કર્યા નથીઃ તંત્ર
હેલ્થ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર.ખરસાણનો સંપર્ક થઇ શકયો નથી, જોકે સ્વચ્છ ભારત મિશનના કોર્પોરેશનના નોડલ ઓફિસર ડો.ભાવિન સોલંકી કહે છે કે સ્વચ્છતા એપને ડાઉનલોડ કરવાના કે તેના થકી ફરિયાદોનું નિરાકરણના આંકડાને મોટો બતાવવા માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોઇ ગેરરીતિ અપનાવાઇ નથી.

ભાજપના કોર્પોરેટરોને પણ બોર્ડ એજન્ડા બેઠકમાં ટાર્ગેટ અપાયો છે
સ્વચ્છતા એપ ડાઉનલોડ કરવાના મામલે સમગ્ર દેશમાં એક નંબર હાંસલ કરવા શહેરના શાસકો પણ મરણિયા બન્યા છે. છેલ્લા બોર્ડની એજન્ડા બેઠકમાં મ્યુનિસિપલ ભાજપ હાઈકમાન્ડ દ્વારા પક્ષના તમામ કોર્પોરેટરોને એક હજાર સ્વચ્છતા એપ ડાઉનલોડ કરાવવાનો ટાર્ગેટ અપાતાં કોર્પોરેટરો પણ પોતપોતાના વોર્ડ પ્રમુખનું શરણું પકડીને ટાર્ગેટ મેળવવા લાગી ગયા છે.

ર૦૧૬માં અમદાવાદનો ૧૪મો નંબર હતો
કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન હેઠળ ર૦૧૬માં અમદાવાદ શહેર દેશનાં સ્વચ્છ શહેરમાં ૧૪મા સ્થાને હતું. અમદાવાદ કરતાં સુરત કોર્પોરેશન સાતમા સ્થાને રહીને આગળ હતું.
http://sambhaavnews.com/

You might also like