સ્વચ્છતા મિશનમાં ઓછા માર્ક્સ અાવતાં મ્યુનિ. રિચેકિંગ માગશે

અમદાવાદ: કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા મોબાઇલ એપ ડાઉનલોડ કરવામાં અમદાવાદ દેશભરમાં નંબર વન આવ્યું હતું, પરંતુ સ્વચ્છતાના મામલે અમદાવાદ દેશમાં ૧૪મા ક્રમાંકે ધકેલાતાં સ્વાભાવિકપણે શાસક પક્ષ નારાજ થયો છે. સ્વચ્છતાના મામલે ગુજરાતનું વડોદરા જેવું નાનું શહેર અમદાવાદથી આગળ રહ્યું હોઇ મ્યુનિસિપલ સત્તાવાળાઓ સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ શહેરને મળેલા ગુણાંકની ખરાઇ અંગે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાના છે.

ગત તા.૧ માર્ચ, ર૦૧૭એ શાસકોએ સ્વચ્છતા મોબાઇલ એપને ડાઉનલોડ કરવા અંગે અમદાવાદ કોર્પોરેશનને કેન્દ્ર દ્વારા વસ્તીના માપદંડના આધારે અપાયેલા ૧,૧૧,૭૦૦ના લક્ષ્યાંકને ઓળંગીને ૧,૧૩,૪૦૦ નાગરિકોએ મોબાઇલ એપ ડાઉનલોડ કરતાં અમદાવાદ મોબાઇલ એપ ડાઉનલોડ કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ નંબરે આવ્યું હોવાથી હરખાયા હતા. સત્તાવાળાઓ પણ મોબાઇલ અેપ ડાઉનલોડ કરવાની લંબાવાયેલી અંતિમ તારીખ ર૮ ફેબ્રુઆરી, ર૦૧૭ પહેલાં વધુ ને વધુ નાગરિકો એપ ડાઉનલોડ કરે તે માટે મરણિયા બન્યા હતા, જેના કારણે સ્વચ્છતા એપ તો ડાઉનલોડ થઇ, પરંતુ સ્વચ્છતા જ વિસરાઇ ગઇ. અમદાવાદને ગત ગાંધીજયંતીએ જાહેર શૌચમુક્ત શહેર જાહેર કર્યા બાદ પણ મ્યુનિસિપલ કમિટીમાં વ્યક્તિગત અને પબ્લિક ટોઇલેટ બનાવવાનાં કામ આવતાં રહ્યાં.

સ્વચ્છતા મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની અંતિમ તારીખ વીત્યા બાદ ખુદ હેલ્થ વિભાગ હવે એપને ભૂલી ગયો હોઇ ત્યારબાદના બે મહિનામાં માંડ બે હજાર નાગરિકોએ એપ ડાઉનલોડ કરી છે. બીજી તરફ ૧૭ લાખની વસ્તી ધરાવતું વડોદરા કેન્દ્રના સ્વચ્છતા સર્વેક્ષણના વિવિધ માપદંડમાં કુલ ૧૩૦ ગુણાંક મેળવીને ૧૦મા ક્રમાંકે આવ્યું જ્યારે અમદાવાદ ૮પ ગુણાંક એટલે કે વડોદરા કરતાં ૪પ ગુણાંક ઓછા મેળવીને ૧૪મા ક્રમાંકે ફેંકાઇ ગયું.

આના છેક ટોચના સ્તરે ઉગ્ર પડઘા પડ્યા હોઇ ભાજપના શાસકો પણ તંત્ર પર રોષે ભરાયા છે, જેેના કારણે હવે મ્યુનિસિપલ સત્તાવાળાઓ વડોદરાને કઇ કઇ બાબતોના આધારે અમદાવાદ કરતાં ૪પ ગુણાંક વધુ આવ્યા તે અંગે કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલય સમક્ષ આગામી દિવસોમાં રજૂઆત કરવાના છે, જોકે વહીવટી સત્તાવાળાઓએ આ પ્રકારની સંભવિત કસરત માટે શાસક પક્ષની લીલી ઝંડી મેળવવાની રહેશે.
http://sambhaavnews.com/

You might also like