હવે ચાર હજાર શહેરનો થશે સ્વચ્છતા સર્વે

નવી દિલ્હી: સ્વચ્છતા સર્વેમાં સારું રેન્કિંગ મેળવવા માટે જૂઠી જાણકારી અાપનારાં શહેરો માટે હવે કેન્દ્ર સરકારે નેગેટિવ માર્કિંગની જોગવાઈ કરી છે. અા વખતે સરકારે એ પણ નક્કી કર્યું છે કે સર્વેમાં ચાર હજારથી વધુ શહેરોને સામેલ કરાશે. જ્યારે અત્યાર સુધી માત્ર ૪૩૪ શહેરોને જ સામેલ કરાયાં હતાં.

અા ઉપરાંત હવે અે પણ જોવા મળશે કે સફાઈ માટે ટોઈલેટ બનાવવાનો દાવો કરાયો છે પરંતુ તેની દેખરેખ પણ થઈ રહી છે કે નહીં. ૨૦૧૮ માટે સ્વચ્છતા સર્વેક્ષણ અાવાસ અને શહેરી કાર્ય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે લોન્ચ કર્યું. અા પ્રકારનો પહેલો સર્વે ૨૦૧૬માં શરૂ કરાયો હતો.

પહેલા સર્વેમાં ૭૩ અને બીજા સર્વેમાં દેશના ૪૩૪ શહેરોને સામેલ કર્યા હતા. પરંતુ અા વખતે સરકારે ૪૦૪૧ શહેરોમાં સફાઈની પરિસ્થિતિ જાણવા માટે સર્વે કરાવવાનું નક્કી કર્યું છે. તેમાં ૫૦૦ શહેર એવાં છે જેની વસ્તી એક લાખથી વધુ છે. જ્યારે ૩૫૪૧ શહેર એવાં છે જેની વસ્તી એક લાખ કરતા અોછી છે.

અા તમામ શહેરોને ફિઝિકલ સર્વે ૪ જાન્યુઅારીઅે ઔપચારિક રીતે શરૂ થશે. તેના પરિણામો માર્ચ મહિનામાં જાહેર કરવામાં અાવશે. મંત્રાલયના અધિકારીઅોનું કહેવું છે કે ગઇ વખતની સરખામણીમાં અા વખતનો સર્વે થોડો અલગ હશે. ગઈ વખતે કેન્દ્ર સરકારને ફરિયાદ મળી હતી કે કેટલાક શહેરોઅે જે અાંકડા અાપ્યા હતા તેમાં ગડબડ કરવામાં અાવી હતી. જેના કારણે તેમનું રેન્કિંગ ઉપર અાવી ગયું.

અા ફરિયાદ મળ્યા બાદ કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે જો શહેર સફાઈને લઈને જે પણ દાવા કરાયા હશે તેની તપાસ કરાવવામાં અાવશે અને જો તે દાવા ખોટા નીકળ્યા તો તે શહેરના ૩૩ ટકા કાપી નાખવામાં અાવશે. અા અેક પ્રકારે નેગેટિવ માર્કિંગ હશે. જે અાંકડા અાપવામાં અાવ્યા હશે તેમાંથી માર્ક કાપી દેવાશે.

અા ઉપરાંત અેવી વ્યવસ્થા પણ કરાઈ છે કે માત્ર નવા ટોઈલેટ બનાવવી કે નવી સુવિધાઅો શરૂ કરવા પર ફોકસ નહીં કરાય પરંતુ અે પણ જોવામાં અાવશે કે જે ટોઈલેટ બનાવવામાં અાવ્યાં છે તેની હાલત કેવી છે. જૂના ટોઈલેટમાં સફાઈ થઈ રહી છે કે નહીં અને બીજા ટોઈલેટમાં પાણીની વ્યવસ્થા છે કે નહીં. જેથી નવા ટોઈલેટ બનાવીને વાહવાહી લેનાર અને તેની જાળવણી ન કરી શકનાર શહેરો સામે પગલાં પણ ભરાશે.

You might also like