750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો આઇસોલેશન વોર્ડ છે, પરંતુ તે ફંકશનિંગમાં નથી તેવી માહિતી જાણવા મળી છે.

એક તરફ અમદાવાદીઓ ઘાતક સ્વાઇન ફ્લૂના ભરડામાં આવ્યા છે. દરરોજ સ્વાઇન ફ્લૂના કેસ અને મૃત્યુનો આંકડો વધતો જતો હોઇ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. તંત્ર દ્વારા અનેક ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ વગર દર્દીઓને અપાતી મોંઘીદાટ સારવાર સામે સિફતપૂર્વક આંખ આડા કાન કરાઇ રહ્યા છે.

તો કોર્પોરેટ હોસ્પિટલને પણ ટક્કર મારે તેવાં અત્યાધુનિક લેબ, મેડિકલનાં સાધનો ઉપકરણોથી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ સુસજ્જ હોવાનો દાવો કરનાર તંત્ર આજ દિન સુધી સ્વાઇન ફ્લૂના દર્દીઓને રાહતના સમાચાર આપી શક્યું નથી.

આ હોસ્પિટલમાં દૈનિક રપ૦ ઓપીડીના દર્દી નોંધાઇ રહ્યા છે. તેમજ ૩૦૦ જનરલ પથારીની વ્યવસ્થા ઊભી કરાઇ હોઇ તેમાં રોજના આશરે ર૦થી રપ ‘ઇન્ડોર પેશન્ટ’ સારવાર લે છે. બીજી તરફ સ્વાઇન ફ્લૂના ઓપીડી કેસ લેવાતા નથી. આ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની ઓપીડી નથી.

આના બદલે સ્વાઇન ફ્લૂના દર્દીઓને વી.એસ. હોસ્પિટલ ધકેલાઇ રહ્યા છે. મળતી માહિતી મુજબ, એસવીપી હોસ્પિટલના બારમા માળે આવેલો સ્વાઇન ફ્લૂના દર્દીઓનો આઇસોલેશન વોર્ડ કાર્યરત હાલતમાં ન હોઇ તેના દર્દીઓની ઓપીડી તપાસ પણ કરાતી નથી.

વી.એસ. હોસ્પિટલની અત્યારની ૧૧પપ પથારીની વ્યવસ્થામાં જબ્બર ઘટાડો કરીને પ૦૦ પથારી જ દર્દીઓ માટે ઉપલબ્ધ થાય તેવા કપરા સંજોગોનું ‘કાઉન્ટ ડાઉન’ શરૂ થઇ ચુક્યું છે. આ તો ઠીક પરંતુ ન્યૂરો સર્જરી, ગેસ્ટ્રો એન્ટરોલોજી, ઇએનટી સર્જરી સહિતના દશ સુપર સ્પેશિયાલિટી સેવા કાયમ માટે બંધ કરવાની દિશામાં ચક્રો પણ ગતિમાન થઇ ચુક્યાં છે.

તેમાં પણ સૌથી આઘાતજનક બાબત એ છે કે, વી.એસ. હોસ્પિટલના ચોપડે એક એમઆરઆઇ મશીન, ચાર સોનોગ્રાફી મશીન અને પાંચ એક્સરે મશીન ચાલતાં હોવાં છતાં ગરીબ ગર્ભવતી મહિલાઓના ઉદરસ્થ શિશુના આરોગ્યને લગતી સોનોગ્રાફી અહીં કરાવાતી નથી. આ મહિલાઓને સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં દોડાવાય છે જે ખર્ચાળ હોઇ તેમને પોષાતી નથી.

You might also like