સતલજ-યમુના કેનાલ પર રમાતું સ્વાર્થનું રાજકારણ

સતલજ-યમુનાને જોડતી નહેર માટે કિસાનો પાસેથી લેવાયેલી તેમની જમીન પરત કરવાનો પંજાબ સરકારનો નિર્ણય સસ્તા રાજકારણની મદદથી ચૂંટણી જીતી લેવાના પ્રયત્ન સિવાય કંઇ કહી શકાય તેમ નથી. પંજાબ વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે અને એ સ્પષ્ટ છે કે રાજ્ય સરકાર પાણીની મદદથી લોકોની ભાવનાઓને પોતાના પક્ષમાં લાવવા કોશિશ કરી રહી છે. જેના કારણે બાદલ સરકારની સાથે સાથે વિપક્ષી જૂથ પણ સક્રિય બન્યું છે.
નદીનાં પાણીની વહેંચણીને લઇને રાજ્યો વચ્ચે થઇ રહેલો વિવાદ હવે કોઇ નવી વાત નથી, પરંતુ સતલજ-યમુનાની નહેરની બાબતમાં પંજાબ અને હરિયાણા જે રીતે આમને સામને આવી ગયાં છે તે ચિંતાનો વિષય બન્યા છે. કાયદા મુજબ નદી જે રાજ્યમાંથી પસાર થતી હોય તેના પાણી પર તે રાજ્યનો અધિકાર હોય છે, પરંતુ ટૂંકા મનના સ્વાર્થોની રાજનીતિએ આ સામાન્ય વ્યવસ્થા પર પ્રશ્નચિન્હ લગાવી દીધું છે.
વોટ બેન્કની રાજનીતિના કારણે સરકારોએ નદીના પાણીને વિવાદનો મુદ્દો બનાવ્યો છે. પંજાબ અને હરિયાણાના વર્તમાન વિવાદ અગાઉ કાવેરી નદીના પાણીને લઇ કર્ણાટક અને તામિલનાડુની વચ્ચે લાંબા સમય સુધી વિવાદ ચાલ્યો હતો અને હાલમાં પણ ચાલુ જ છે.
નદીના પાણીની વહેંચણીને લઇને બે દેશો વચ્ચે પણ વિવાદ થતો રહે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે પણ વિવાદિત પ્રશ્નોમાં નદીઓના પાણીની વહેંચણીનો પણ સમાવેશ થાય છે. પછી ભલે અન્ય ચર્ચાસ્પદ મુદ્દાઓની આગળ નદીના પાણીની વહેંચણીના પ્રશ્નને એટલી મહત્ત્વતા અાપવામાં ન આવતી હોય, પરંતુ હકીકત એ છે કે પડોશી દેશોની વચ્ચે જળ કૂટનીતિ ઓછી મહત્વની નથી. જ્યારે ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશની સાથે થયેલી જળસંધિઓ પર અમલ કરવા માટે તૈયાર છે તો પછી પંજાબ સરકાર હરિયાણાના મામલામાં આવું કેમ કહી શકે છે?
એક સમયે વડા પ્રધાન ડો.મનમોહનસિંહ બાંગ્લાદેશ સાથે તિસ્તા નદીનાં પાણીની વહેંચણી પર સમજબૂત કરવા માટે તૈયાર હતા, પરંતુ મમતા સરકારની નારાજગીના કારણે તે પોતાની ઇચ્છા પૂર્ણ કરી શકયા ન હતા. હવે નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશને એવો ભરોસો આપ્યો છે કે તે ઝડપથી તિસ્તા પર સમજૂતી કરશે. પાણી વિના કોઇ રાજ્ય કે દેશનું કામ ચાલી શકતું નથી. જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ પાણી અને સિંચાઇ માટેનાં જળની જરૂરિયાતનું સંકટ ઘેરાતું રહે છે. પ્રકૃતિની મહેરબાનીથી ભારતીય ઉપમહાદ્વિપમાં ચોમાસામાં વરસાદ સારો પડે છે અને તેને લઇને પાણીની આવશ્યકતા એક હદ સુધી પૂરી થઇ જાય છે, પરંતુ ઋતુ પરિવર્તનના ચક્રમાં આવેલા ફેરફારથી વરસાદના પાણીની જરૂરિયાત અંગે કોઇ ધારણા રાખી શકાતી નથી.
ભારત જેવા દેશમાં વરસાદના પાણીના સંગ્રહ માટે કોઇ ચોક્કસ ઉપાય કરવામાં નથી આવતા. બીજી બાજુ ટયૂબવેલ દ્વારા જમીનમાંથી અંધાધૂંધ પાણી ખેંચવામાં આવે છે. જેને લઇ ભુસ્તરના પાણીનું લેવલ સતત નીચે જઇ રહ્યું છે. બીજી બાજુ ખેડૂતો નદી અને નહેરના પાણીને પોતાનો અધિકાર માનવા લાગ્યા છે, પરંતુ પાણીના સંગ્રહની જરૂરિયાત બાબતે કોઇ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. જોકે હવે આધુનિક ટેકનિક ઉપલબ્ધ બની છે. જેના કારણે ઓછા પાણીએ વધુ પાક મેળવી શકાય છે. સિંચાઇની આ ટેકનિકના અમલ પર સમયે સમયે માગ વધી રહી છે ત્યારે રાજ્ય સરકારોએ તેના પર ધ્યાન આપવું જોઇએ.
સતલજ-યમુનાનાં જોડાણ પ્રશ્ને ૧૯૮૧માં પંજાબ, હરિયાણા અને રાજસ્થાન વચ્ચે બ્યાસ, સતલજ અને રાવી નદીના પાણીની વહેંચણી બાબતે પણ સમજૂતી થઇ હતી. આ સમજૂતીને લઇને પાણી વહેંચણીનો મુદ્દો દિલ્હી અને જમ્મુ કાશ્મીર માટે પણ કરાયો હતો. પંજાબે બે વર્ષની અંદર સતલજ-યમુના નહેરનું નિર્માણ કરવાનું હતું, પરંતુ તે કામ હજુ સુધી પૂરું થઇ શકયું નથી. સમય જતાંની સાથે પંજાબની એ ફરિયાદ રહી છે કે પાણીની વહેંચણી નહીં થઇ શકે. કારણ કે તેને લઇ પોતાની જરૂરિયાતો પૂરી થઇ શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટે પણ તેની ફરિયાદ ફગાવી દીધી છે, પરંતુ પંજાબ વિધાનસભામાં ખેડૂતોની લીધેલી જમીન પરત આપવાનો ઠરાવ પસાર કરવાનો નિર્ણય લેેવાઇ ગયો છે. પંજાબનું આ પગલું હરિયાણા અને સુપ્રીમની અવગણના કરનાર છે.

You might also like