રાજસ્થાન બાદ હવે દિલ્હીના IGI એરપોર્ટ પાસે દેખાયો બલૂન, એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હી: રાજસ્થાન બાદ દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પાસે એક સંદિગ્ધ બલૂન દેખાતાં હડકંપ મચી ગયો. આ બલૂન ગુડગાંવથી દિલ્હી તરફ આગળ વધી રહ્યો હતો. ગુડગાંવ પોલીસ કંટ્રોલ રૂમે તેની સૂચના તત્કાલીન એટીસી અને એરફોર્સને આપી હતી. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ સર્તક થઇ ગઇ છે.

મળતી માહિતી અનુસાર બુધવારે ગુડગાંવ તરફથી એક સંદિગ્ધ બલૂન દિલ્હી તરફ આગળ વધતાં સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઇ હતી. આ બલૂન ગુડગાંવથી એરપોર્ટ થઇને દિલ્હીના આયાનગર તરફ  આગળ વધી રહ્યો હતો. એટીસી, એરફોર્સ અને દિલ્હી પોલીસ સંદિગ્ધ અલૂન શોધખોળમાં લાગી ગઇ હતી.

ગુડગાંવ પોલીસ કમિશ્નર નવદીપ સિંહ વિર્કએ જણાવ્યું હતું કે બુધવારે સાંજે 3.15 વાગે પોલીસે આકાશમાં લાલ સફેદ રંગનો એક સંદિગ્ધ બલૂન જોયો. લગભગ એક મીટરના વ્યાસવાળો આ બલૂન એરફોર્સ સ્ટેશનની પાસે જમીનથી એક કિલોમીટર ઉપર ઉડી રહ્યો હતો. જો કે હજુસુધી બલૂન મળી શક્યો નથી.

તમને જણાવી દઇએ કે 26 જાન્યુઆરીના રોજ રાજસ્થાનના બાડમેરમાં બોર્ડર પાસે એક સંદિગ્ધ બલૂન દેખાયા બાદ સુરક્ષા એજન્સીઓ સભાન થઇ ગઇ છે. બલૂન એક મધ્યમ શક્તિના રડાર પર દેખાયો હતો. દક્ષિણ પૂર્વી દિશામાં જઇ રહ્યો હતો. ત્રણ મીડર પહોળો અને આઠ મીટર લાંબો બલૂન અમેરિકામાં બન્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર બલૂન પાકિસ્તાન તરફથી આવ્યો હતો. તેને ભારતીય વાયુસેનાના સુખોઇ 30 વિમાનને મિસાઇલ હુમલો કરીને નષ્ટ કરી દીધો હતો. તેમાં કોઇ વિસ્ફોટક ન હતો. તપાસ માટે અવશેષો પ્રાપ્ત કરવામાં આવ્યા. રક્ષા મંત્રાલય આ અંગે વિસ્તૃત જાણકારી આપશે.

કેન્દ્રીય રક્ષા મંત્રી મનોહર પર્રિકરે રાજસ્થાનની બોર્ડર પાસે દેખાયેલા બલૂનના મુદ્દે કહ્યું હતું કે ‘સરહદ પારથી એક અજ્ઞાત અને ચમકદાર વસ્તુ ભારતીય બોર્ડરમાં આવી હતી. આપણા ફાઇટર જેટે તેને નષ્ટ કરી દીધી છે. આ એક હીલિયમ ગેસથી ભરેલો બલૂન હતો. તેમાંથી કશું મળ્યું નથી.’સૂત્રોના જણાવ્યા અનુસાર રક્ષામંત્રીએ વિદેશ મંત્રાલય સાથે આ માહિતી શેર કરવામાં આવી છે અને કહ્યું છે કે તે પાકિસ્તાન સાથે વાત કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે કહેશે.’

કહેવામાં આવી રહ્યું છે કે સરહદ પારથી આવેલા બલૂનમાં હેપ્પી બર્થ ડે લખ્યું હતું, જેના પર ફાઇટર જેટે લગભગ 100 રાઉન્ડ ફાયરિંગ કરીને નષ્ટ કર્યો. માનવામાં આવી રહ્યું છે કે આ ગતિવિધિથી પાકિસ્તાન ભારતનું રિએક્શન ચેક કરી રહ્યું હતું.

You might also like