બિનવારસી બેગના પગલે બોમ્બની આશંકાઃ નીકળ્યો ટેનિસ બોલ

અમદાવાદ: રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સાવચેતી રાખી રહી છે. આજે સવારે હાટકેશ્વર વિસ્તારમાં બિનવારસી બેગ મળી આવતાં પોલીસબેડામાં દોડધામ મચી ગઇ હતી.

બોમ્બ સ્કવોડ તેમજ ડોગ સ્કવોડ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બિનવારસી બેગની તપાસ કરતાં તેમાંથી ટે‌િનસ બોલ મળી આવતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

હાટકેશ્વર વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીય ભારતીય સ્કૂલ નજીક એક બિનવારસી કાળા કલરની બેગ પડી હોવાના સમાચાર એક સ્થાનિક જાગૃત નાગરિકે પોલીસ કન્ટ્રોલમાં આપ્યા હતા.

બિનવારસી બેગ મળતા હાટકેશ્વર વિસ્તારમાં ફફટાડ વ્યાપો હતો. આ ઘટનાને ગંભીરતા લઇ અમરાઈવાડી પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બિનવારસી બેગની આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લીધો હતો તેમજ એકત્રિત થયેલાં ટોળાઓને દૂર કર્યાં હતાં.

બોમ્બ સ્કવોડની ટીમે બેગની તપાસ કરતાં તેમાંથી ટે‌િનસ બોલ મળ્યા હતા. બેગમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળતા પોલીસ તેમજ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે ભાગફોડિયાં તત્ત્વો શાંતિનો માહોલ ડહોળવાની કોશિશ કરે નહીં તે માટે પોલીસ સચેત છે.

You might also like