સુષમા સ્વરાજના પોશાકને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો

તહેરાન: ઇરાનની યાત્રા દરમિયાન ઇરાનના પ્રમુખ હસન રુહાનીની મુલાકાત વેળા ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ એક ખાસ વેશભૂષામાં નજર આવતાં સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સનાં નિશાન બની ગયાં હતાં.

રુહાની સાથેની મુલાકાત દરમિયાન સુષમા સ્વરાજ માથાથી પગ સુધી ઢાંકેલાં વસ્ત્રોમાં નજરે પડ્યાં હતાં. ઇરાન જેવા રૂઢિચુસ્ત દેશમાં મહિલાઓના પોશાકને લઇને કેટલાક પ્રકારના પ્રતિબંધ અને નિયંત્રણો છે. સુષમા સ્વરાજે ઇરાનની આ પરંપરાનો આદર કરતાં પ્રમુખ રુહાની સાથેની મુલાકાત દરમિયાન પોતાનું માથું ઢાંકેલું રાખ્યું હતું.

વિદેશ મંત્રાલયે આ ફોટો ટ્વિટ કર્યા બાદ સોશિયલ મીડિયામાં સુષમા સ્વરાજ ચોમેરથી ટીકાનો ભોગ બન્યાં હતાં. સુષમા સ્વરાજની વેશભૂષા પર સોશિયલ મીડિયા યુઝર્સ નારાજ થઇ ગયા હતા. કેટલાક યુઝર્સે સુષમા સ્વરાજની હાંસી ઉડાવી હતી તો કેટલાકે એવો આક્ષેપ કર્યો હતો કે સુષમા સ્વરાજે તૃષ્ટીકરણ માટે આ પગલું ભર્યું હતું. કેટલાક ટ્વિટર યુઝર્સે એટલી હદ સુધી કહ્યું હતું કે સુષમા સ્વરાજે ભારતની પ્રતિષ્ઠાને હા‌નિ પહોંચાડી છે.

પાકિસ્તાની કોલમિસ્ટ તારેક ફતહે જણાવ્યું હતું કે સુષમાજી આ શરમજનક વાત છે. તમે સાડી પહેરીને તેનો પાલવ માથા પર રાખી શક્યાં હોત. વરિષ્ઠ પત્રકાર શિવ અરુરે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે જોઇને સારું લાગ્યું કે સુષમા સ્વરાજને ઇરાનમાં પોતાનામાં કોઇ બદલાવ કરવો પડ્યો નહીં. વિનય દોકાનિયા નામના યુઝરે કોમેન્ટ કરી હતી કે મેડમ વિદેશ પ્રધાન શું આ પોશાક પહેરવો જરૂરી હતો?

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ સાલ ૯ ડિસેમ્બરના રોજ પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન સુષમા સ્વરાજે જ્યારે લીલી સાડી પહેરી હતી ત્યારે પણ ઊહાપોહ મચી ગયો હતો. સુષમા સ્વરાજે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેઓ દર બુધવારે લીલી સાડી પહેરે છે અને ૯ ડિસેમ્બરે પણ બુધવાર જ હતો.

You might also like