સુષમાએ પાસપોર્ટના બદલામાં મેડલ માગ્યો અને ઝલકે વચન નિભાવ્યું

નવી દિલ્હીઃ ૧૫ વર્ષીય છોકરીને યુક્રેનમાં બોક્સિંગ સ્પર્ધામાં ભાગ લેવા જવાનું હતું, પરંતુ તેનો પાસપોર્ટ નહોતો આવ્યો. તેણે સ્થાનિક પાસપોર્ટ અરજીની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી દીધી. આ મામલામાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજે મામલો હાથમાં લીધો અને પોતાના તરફથી પહેલ કરી અને જુનિયર ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા ઝલક તોમરને કહ્યું તેણે દેશ માટે મેડલ લાવવાનું વચન આપવું પડશે અને પછી તરત જ ઝલક તોમરને પાસપોર્ટ મળી ગયો.

ઝલકે પોતાનું એ વચન યાદ રાખ્યું અને ૧૫ વર્ષીય આ બોક્સરે ૫૪ કિલોગ્રામ વર્ગમાં યુક્રેનના નાદર્વિના શહેરમાં આયોજિત વાલેરિયા દેમ્યાનોવા મેમોરિયલ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતીને પોતે ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજને આપેલું વચન પાળી બતાવ્યું.

ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું. ભારતે કુલ ચાર ગોલ્ડ મેડલ, ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા. અરુંધતિ ચૌધરીએ ૬૦ કિલો વર્ગ, મિતિકા ગુનેલેએ ૬૬ કિલો વર્ગ અને રાજ સાહિબાએ ૭૦ કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી લીધા. જ્યારે ઝલક ઉપરાંત સંજીતાએ ૪૮ કિલો વર્ગમાં, લિપાક્ષીએ ૮૧ કિલોવર્ગમાં સિલ્વર મેડલ જીત્યો. એકમાત્ર બ્રોન્ઝ મેડલ મોનિકા બાગ્ગુએ ૬૪ કિલોગ્રામ વર્ગમા પોતાના નામે કરી લીધો.

You might also like