લાલુએ નીતીશ સરકાર ઉથલાવવા મદદની ઓફર કરી હતીઃ સુશીલ

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીએ એવો દાવો કર્યો છે કે બિહારમાં નીતીશકુમારની સરકાર ઉથલાવવા માટે રાજદના વડા લાલુપ્રસાદ યાદવના કેટલાક વરિષ્ઠ સાથીઓ કેન્દ્ર સરકારમાં સામેલ ભાજપના કેટલાક મોટા નેતાઓને મળ્યા હતા.

સુશીલકુમાર મોદીએ એવો પર્દાફાશ કર્યો છે કે લાલુના કેટલાક વરિષ્ઠ સાથીઓ કેન્દ્રના કેટલાક ભાજપના નેતાઓને એક વાર નહીં, પરંતુ બે વાર મળ્યા હતા. તેમણે લાલુ પરિવારના બેનામી સોદાઓમાં મદદ માગી હતી અને ખાતરી આપી હતી કે જો આ મામલો એક વખત રફેદફે કરી નાખવામાં આવે તો લાલુ યાદવ બિહારમાં નીતીશ સરકારને ઉથલાવવામાં ભાજપને મદદ કરશે, પરંતુ ભાજપના નેતાઓએ લાલુ યાદવના સાથીઓની આ મદદ સ્વીકારવા સીધો જ ઈન્કાર કરી દીધો હતો અને જણાવ્યું હતું કે તેઓ સરકારી એજન્સીની કાર્યવાહીમાં દખલ કરી શકે નહીં.

તેમણે એવો દાવો કર્યો છે કે બેનામી સંપત્તિના કેસમાં ફસાયેલા લાલુપ્રસાદ યાદવ અને તેમના પરિવારને મદદ કરવાની શરતે લાલુપ્રસાદ યાદવે બિહારમાં નીતીશકુમારની ઉથલાવવામાં મદદ કરવાની ઓફર કરી હતી. સુશીલકુમાર મોદીએ એવો પણ દાવો કર્યો છે કે બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે તેમના પક્ષની સાથે જવાનો રસ્તો ખુલ્લો રાખ્યો છે.

એક મુલાકાતમાં સુશીલકુમાર મોદીએ જણાવ્યું છે કે પહેલા દિવસથી જ નીતીશકુમાર-લાલુપ્રસાદનું ગઠબંધન સરળ રહ્યું નથી. તેમની વચ્ચે કોઈ તાલમેલ નથી. ન તો તેમની કેમિસ્ટ્રી સારી છે કે ન તો તેમના વિચારો મળે છે. ૧૭ મહિનાની સરકારમાં કેટલીય મુશ્કેલીઓ ઊભી થઈ છે. છેલ્લા નવ મહિનામાં તમામ બદલીઓ અને નિમણૂકો અટવાઈ છે, કારણ કે લાલુ પોતાની રીતે કેટલાક કલંકિત અધિકારીઓની નિમણૂક કરાવવા માગે છે.
http://sambhaavnews.com/

You might also like