ત્રણ વર્ષ બાદ મેટ પર ઊતરશે પહેલવાન સુશીલ

નવી દિલ્હીઃ ત્રણ વર્ષ બાદ ફરીથી બે વારના ઓલિમ્પિયન ચેમ્પિયન પહેલવાન સુશીલકુમાર મેટ પર ઊતરવા તૈયાર છે. સુશીલ ઇન્દોરમાં આવતી કાલથી ૧૮ ડિસેમ્બર સુધી ચાલનારી રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયનશિપમાં વાપસી કરશે. બીજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા સુશીલ રેલવે તરફથી ઊતરશેઘ જોકે રેલવે તરફથી ૭૪ કિગ્રા વર્ગમાં કોણ ઊતરશે એના માટે સુશીલ અને દિનેશ વચ્ચે ટ્રાયલ યોજાશે.

આ અંગે સુશીલકુમારે જણાવ્યું, ”હું હાલ શારીરિક અને માનસિક રીતે મારી સર્વશ્રેષ્ઠ લય હાંસલ કરી ચૂક્યો છું. હું મેટમાં ઊતરવા સંપૂર્ણપણે તૈયાર છું.” ભૂતપૂર્વ રાષ્ટ્રીય જુનિયર ચેમ્પિયન દિનેશને અગાઉ ૭૪ કિગ્રામાં રેલવે-બી ટીમ માટે પસંદ કરાયો હતો. રેલવેની બે ટીમ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે, જેમાં સુશીલને ‘બી’ ટીમમાં રાખવામાં આવ્યો છે.

પ્રવીણ રાણા ૭૪ કિગ્રા વર્ગમાં જ રેલવેની ‘એ’ ટીમ તરફથી ઊતરશે. ૩૪ વર્ષીય સુશીલ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ (૨૦૧૪) બાદ પહેલી વાર કોઈ સ્પર્ધાત્મક ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે.

You might also like