અાદિદેવ નમસ્તુભ્યં

ભગવાન શ્રીરામના પૂર્વ વંશજ સૂર્યવંશી રાજા દમના પુત્ર હર્ષવર્ધન બહુ મોટા પ્રખ્યાત રાજા હતા. તે ખૂબ દયાળુ, ધાર્મિક હતા. જેવા રાજા તેવી પ્રજા. રાજા દરરોજ દાનપુણ્ય કરતા. પ્રજા પણ યજ્ઞયાગાદિ કરતી. એક વખત રાજા રાણી પાસે માથામાં તેલ ઘસાવતા હતા. રાણીઅે રાજાના માથામાં એક સફેદ વાળ જોયો. તેથી રાણી રડવા લાગ્યાં રાજાઅે રાણીને રડવાનું કારણ પૂછ્યું. રાણીઅે રાજાને કહ્યું કે, ‘હે મદનાંતક, અાપના માથામાં સફેદ વાળ જોઈ મને અાપની ચિંતા થાય છે.’ અાથી રાજાઅે રાણીને કહ્યું કે, ‘હે સુસ્તન્યૈ, જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે તો ડરવાનું શું? તમે જોયેલા સફેદ વાળે હું સચેત થઈ ગયો. તેથી હવે હું તપ કરવા વનમાં જાઉં છું.’ અા વાત નગરમાં ફેલાઈ ગઈ. પ્રજા રાજાને બહુ ચાહતી હતી. તેથી પ્રજાઅે રાજાને વિનંતી કરી કે, ‘હે રાજન અાપ હજુ થોડો સમય રોકાઈ જાવ.’ પ્રજાની વાત માની રાજા તપ કરવા ન ગયા. થોડા સમય પછી રાજા ફરી તપ કરવા જવા તૈયાર થયા. ફરી પ્રજાઅે તેમને રોક્યા.

પ્રજાનો પ્રેમ જોઈ રાજાઅે સૂર્યનારાયણનું તપ શરૂ કર્યું. પ્રજા પણ રાજાને ચાહતી હોવાથી સૂર્ય ઉપાસના કરવા લાગી. લાંબા તપને કારણે સૂર્યનારાયણે રાજાનું અાયુષ્ય વધે તેવું વરદાન અાપ્યું. રાજાઅે કહ્યું કે, ‘પ્રજા વગરનું અાયુષ્ય શું કામનું?’ અાથી રાજાને પ્રજાભિમુખ જાણી સૂર્યનારાયણે રાજા, રાણી તથા પ્રજાનું અાયુષ્ય વધારી અાપ્યું. અા પછી રાજાઅે ખૂબ લાંબો સમય રાજ્ય કર્યું.
સૂર્ય ઉપાસના ખૂબ પવિત્ર છે. સૂર્ય ઉપાસક કદી ગરીબ બનતો નથી. તેને અનાજ અને દાંતને વેર થતું નથી. અા જગતમાં સૂર્યદેવ હાજરાહજૂર છે. દરરોજ સૂર્યોદય વખતે તમને જળનો અર્ધ્ય અાપવાથી દરેક રીતે સુખી થવાય છે. અને સૂર્યલોકમાં જવાય છે.
– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like