મોદી આખી રાત જાગતા રહ્યા અને પાણીનું ટીપું પણ ન પીધું

નવી દિલ્હી: ઉરી આતંકી હુમલાનો બદલો લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી એટલી હદે બેચેન હતા કે તેનો અંદાજો માત્ર એ વાત પરથી આવી શકે છે કે આ ઘટના બાદ તેમની ઉંઘ હરામ થઈ ગઈ હતી અને મોડી રાત સુધી તેઓ સુઈ શક્યા ન હતા.  પાક હસ્તકના કાશ્મીરમાં (પીઓકે) બુધવારે રાત્રે જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક શરૂ કરવામાં આવ્યા ત્યારે સુવાની વાત તો એક બાજુ રહી, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક ઓપરેશનને સફળતાપૂર્વક અંજામ આપીને ભારતીય કમાન્ડો પીઓકેમાંથી ભારતીય સરહદમાં સુરક્ષિત પરત આવ્યા નહીં ત્યાં સુધી તેમણે પાણી પણ પીધું ન હતું. માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્યાં સુધીમાં સવારના ૫.૦૦ વાગી ચૂક્યા હતા.

ત્યાર બાદ વડા પ્રધાને જ ઓપરેશનમાં સામેલ તમામ અધિકારીઓ અને જવાનોને અભિનંદન આપ્યા હતા અને નિયમિત દિનચર્યામાં લાગી ગયા હતા. એટલું જ નહીં ગુરુવારે સમયસર તેઓ પોતાના કાર્યાલય પર પહોંચી ગયા હતા. મોદીની નિકટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બુધવારે જે ઓપરેશનને જે અંજામ આપવામાં આવ્યો હતો તેની રણનીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉરી હુમલા બાદ તુરંત ઘડી કાઢી હતી.

જોકે આ માટે ટાઈમિંગ અને પ્લાનને અંજામ આપવાની જવાબદારી તેમણે લશ્કરને સોંપી હતી. મોદીએ આ ઓપરેશનને લઈને કોઈ ઉતાવળ નહીં કરવા સૂચના આપી હતી. તેમણે ફૂલપ્રૂફ યોજના તૈયાર કરવા કહ્યું હતું. સાથે જ રૂટિન કામકાજ આટોપ્યા બાદ મોડી રાત સુધી મોદી ઓપરેશનની તૈયારી અંગે સમીક્ષા કરતા હતા.

સેના પ્રમુખે પણ ઓપરેશન પર નજર રાખી હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેના પ્રમુખ દલબીરસિંહ સુહાગે બુધવારે રાત્રે સર્જિકલ સ્ટ્રાઈક ઓપરેશન પર સંરક્ષણ મંત્રાલયના ઓપરેશન રૂમમાંથી નજર રાખી હતી. દલબીરસિંહ સુહાગે ઓપરેશન રૂમમાં હાજર હતા અને ઓપરેશન પૂરું થયું ત્યાં સુધી તેમણે તેના પર નજર રાખી હતી.

You might also like