૫૦ હજારનું માસિક પેન્શન મેળવવા રૈનાએ અરજી કરી!

લખનૌઃ ક્રિકેટ દ્વારા કરોડો રૂપિયા કમાતા ટીમ ઇન્ડિયાના સુરેશ રૈના, ફિલ્મ અભિનેતા અને સાંસદ રાજ બબ્બર સહિત ૧૦૦થી વધુ યશ ભારતી સન્માન મેળવનારા લોકોએ ૫૦ હજાર રૂપિયાના માસિક પેન્શન માટે આવેદન મોકલ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે આ પેન્શન યોજના યશ ભારતી અને પદ્મ સન્માન મેળવનારા એ લોકો માટે શરૂ કરી હતી, જેઓનું જન્મસ્થળ કે કર્મભૂમિ ઉત્તર પ્રદેશમાં હોય. યશ ભારતીથી સન્માનિત ૧૪૧ લોકોને ઉત્તર પ્રદેશના સાંસ્કૃતિક વિભાગ દ્વારા પેન્શન માટે આવેદનપત્રનું ફોર્મેટ મોકલવામાં આવ્યું હતું. આવેદનની અંતિમ તા. ૩૧ જાન્યુઆરી હતી. આ યોજનામાં ૧૦૮ લોકોએ પેન્શન માટે આવેદન આપ્યું છે.

અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને તેમનાે પુત્ર અભિષેક બચ્ચન પણ યશ ભારતીથી સન્માનિત છે, પરંતુ તેઓ પેન્શન લેવાના ઇનકાર કરી ચૂક્યા છે. પેન્શન માગનારા અન્ય લોકોમાં રાજ બબ્બરની પત્ની નાદિરા બબ્બર, અભિનેતા જિમી શેરગિલ, નવાઝુદ્દીન સિદ્દીકી, શાસ્ત્રીય ગાયિકા ગિરિજા દેવી, રંગકર્મી રાજ બિસારિયા, લોકગાયિકા માલિની અવસ્થી, ક્રિકેટર મોહંમદ કૈફ વગેરે સામેલ છે.

સાંસ્કૃતિક વિભાગનાં મુખ્ય સચિવ અનીતા મેશ્રામે કહ્યું કે, ”મેં હજુ આવેદન જોયાં નથી, આથી કોણે કોણે પેન્શન માટે ફોર્મ ભર્યું છે એ કહેવું હાલ શક્ય નથી.” પરંતુ આ વિભાગનાં અધિકારી અનુરાધા ગોયલે એ વાતની પુષ્ટિ કરી દીધી છે કે સુરેશ રૈના સહિત ૧૦૮ લોકોએ યશ ભારતી યોજના અંતર્ગત આવેદનપત્ર મોકલ્યાં છે.

અનુરાધા ગોયલે કહ્યું, ”કેટલાક લોકોનું કહેવું છે કે આવેદન કરનારા ધનવાન છે, આ લોકોને પેન્શનની શી જરૂર છે, પરંતુ આ પેન્શન માટે આર્થિક યોગ્યતા આધાર તરીકે રાખવામાં આવી નથી. આ પેન્શન મેળવવા માટે વ્યક્તિનું ગરીબ હોવું જરૂરી નથી.” ગત વર્ષે શરૂ થયેલી આ યોજના માટે ઉત્તર પ્રદેશના બજેટમાં હજુ સુધી કોઈ જોગવાઈ કરાઈ નથી. અનીતા મેશ્રામના જણાવ્યા અનુસાર પેન્શન એ દિવસથી અપાશે, જે દિવસથી આવેદનપત્ર મંજૂર કરી દેવાશે.

You might also like