સુરેન્દ્રનગરમાં ટાવરચોક પાસે હિટ એન્ડ રનઃ માતા-પુત્રીનાં મોત

અમદાવાદ: સુરેન્દ્રનગરમાં વાહનો અને લોકોની અવરજવરથી ૨૪ કલાક ધમધમતા ટાવરચોક પાસે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. હિટ એન્ડ રનની ઘટનામાં માતા અને પુત્રીનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ છે.

અા અંગેની વિગત એવી છે કે સુરેન્દ્રનગરમાં ૮૦ ફૂટના રોડ પર અાવેલી વર્ધમાન સોસાયટીમાં રહેતા અને મોટર ગેરેજનો વ્યવસાય કરતા કલ્પેશભાઈ ઈશ્વરભાઈ પંચાસરા તેમના પત્ની સુમિત્રાબહેન અને પુત્રી ધ્વનિ અા ત્રણેય બુલેટ પર જોરાવરનગર પોતાના સંબંધીને ત્યાં બેસવા ગયા હતા. કલ્પેશભાઈ પોતાના પરિવાર સાથે સાંજના સુમારે ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગરના ટાવરચોક નજીક સરદારસિંહ રાણા પુલ પાસેથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ અાઈસર ટ્રકે બુલેટને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતા અા પરિવાર રોડ પર પટકાયો હતો જેમાં સુમિત્રાબહેન અને ધ્વનીનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું જ્યારે કલ્પેશભાઈને ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી છૂટ્યો હતો, પરંતુ પોલીસે ત્વરિત કાર્યવાહી અારંભી ટ્રકનો પીછો કરી દસ કિલોમીટર દૂરથી ટ્રકને ઝડપી લીધી હતી. પોલીસે ટ્રકચાલકની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી. પોલીસે બંને લાશને પીએમ માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અાપી અા અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં એક સાથે માતા-પુત્રીનાં મોત થતાં પ્રજાપતી સમાજમાં શોકની લાગણી છવાઈ છે.

You might also like