સુરેન્દ્રનગર બન્યું હનુમંતમય

ખીજડિયા, લીંબડિયા, કેસરિયા, પંચમુખી, વીજળીયા, નવરંગી, પંચસિદ્ધ, કષ્ટભંજન, કેસરીનંદન,મોજીલા, પચરંગી, સાત, પાતાળી…આ તમામ વિશેષણો કોઈ એક દેવ માટે વપરાતાં હોય તો તે એકમાત્ર હનુમાનજી છે. ઉપર જણાવ્યાં તે તમામ નામો આપણે ત્યાં સામાન્ય રીતે મોટાભાગનાં હનુમાનજી મંદિરોનાં હોય છે. પરંતુ જો આ તમામ નામધારી હનુમાનજીનાં મંદિરો તમારે કોઈ એક જ શહેરમાં જોવાં હોય તો સૌરાષ્ટ્રનાં પ્રવેશદ્વાર સમા ગણાતા સુરેન્દ્રનગર શહેરની મુલાકાત ચોક્કસ લેવી પડે.

સુરેન્દ્રનગર શહેરની એક ઓળખ ઝાલાવાડ તરીકે અપાય છે, પણ બીજી ઓળખ આપવી હોય તો દેશમાં સૌથી વધુ હનુમાનજી મંદિરોના શહેર તરીકે આપી શકાય, કારણ કે અહીં ભારતના મોટાભાગના નામધારી હનુમાનજી મંદિરો મોજૂદ છે.

વઢવાણ, રતનપર, જોરાવરનગર, દુધરેજ અને સુરેન્દ્રનગર એમ પાંચ વિસ્તારો મળી સુરેન્દ્રનગર નગરપાલિકા બને છે. શહેરના આ વિસ્તારોમાં દરેક શેરીએ કોઈ ને કોઈ જગ્યાએ હનુમાનજી મંદિર અચૂક જોવા મળે છે. એક જ શેરીમાં સળંગ ત્રણ-ચાર હનુમાનજી મંદિરો હોવાની સુરેન્દ્રનગરવાસીઓને મન કોઈ નવાઈ નથી.

અહીં આવી એકથી વધુ શેરીઓ જોવા મળે છે. ટીબી હોસ્પિટલથી સુરેન્દ્રનગરની પતરાંવાળી હોટલ સુધીના મુખ્ય રસ્તા આસપાસ જ ૨૫ જેટલાં હનુમાનજી મંદિરો આવેલાં છે. શહેરી વિસ્તારમાં જ એક હજારથી વધુ નાનાંમોટાં હનુમાનજી મંદિરો આવેલાં છે. જો આસપાસનાં ગામોમાં આવેલાં હનુમાનજી મંદિર પણ તેમાં ઉમેરવામાં આવે તો મંદિરનો આ આંકડો ખાસ્સો મોટો થઈ જાય.

સુરેન્દ્રનગરનાં હનુમાનજી મંદિરો
સુરેન્દ્રનગરના કેટલાંક હનુમાનજી મંદિરનો આગવો ઇતિહાસ છે તો કેટલાક સ્થાનિકોએ આસ્થાથી પ્રેરાઈને બનાવ્યાં છે. અહીં સૌથી જાણીતું છે ખીજડિયા હનુમાનજીનું મંદિર. સુરેન્દ્રનગરના ટાંકી ચોકથી મહેતા માર્કેટ તરફના મુખ્ય રસ્તા પર આવેલું આ મંદિર સ્થાનિકોની હનુમાનભક્તિનું પ્રતીક છે. લોકવાયકા મુજબ આઝાદીકાળમાં એક વ્યક્તિએ ગંદકી થતી રોકવા માટે હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. સમય જતા સ્થાનિકોમાં આ મૂર્તિ આસ્થાનું કેન્દ્ર બની. આજે સાડા છ દાયકા બાદ ખીજડિયા હનુમાન શહેરનાં તમામ હનુમાનજી મંદિરોમાં પ્રમુખસ્થાને બિરાજે છે.

ખીજડિયા હનુમાનથી થોડે દૂર આવેલું છે લીંબડિયા હનુમાનજીનું મંદિર. જ્યાં દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે મોટો ઈનામી ડ્રો યોજાય છે. મહિનાઓ અગાઉ આ ડ્રોની ટિકિટો વેચાતી થઈ જાય છે અને સુરેન્દ્રનગર ઉપરાંત આસપાસનાં મોટાભાગનાં ગામોના લોકો હોંશેહોંશે તે ખરીદે છે. જેની પાછળનો આશય ઈનામ મેળવવા કરતાં દાનનો વધુ હોય છે. સાવ નજીકનજીક આવેલાં આ બે મોટાં હનુમાનજી મંદિરે દર વર્ષે ચૈત્રી પૂનમે ભવ્ય લોકડાયરો યોજાય છે. જેમાં સૌરાષ્ટ્રના જાણીતા લોકગાયકો આખી રાત હનુમાનજીનાં ભજનો, ધૂન, ચાલીસા ગાઈને સ્થાનિકોને મોજ કરાવે છે. શહેરભરનાં હનુમાનજી મંદિરો આખો દિવસ હોમ, હવન, યજ્ઞ, સુંદરકાંડ, રામધૂન, બટુક ભોજન જેવા કાર્યક્રમોથી જીવંત રહે છે.

સુરેન્દ્રનગરમાં દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે મોટો ઉત્સવ ઊજવાય છે. એ દિવસે શહેરભરનાં હનુમાનજી મંદિરોને શણગારવામાં આવે છે. હાલ જે રીતે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવાં મોટાં શહેરોમાં ગણેશોત્સવ દરમિયાન વિવિધ થીમ પર પંડાલ ઊભા કરીને ગણેશજીની સ્થાપના કરાય છે તે રીતે અહીં દરેક હનુમાનજી મંદિરોને વિવિધ થીમ પર શણગારવામાં આવે છે. યુવાનો અને બાળકો મહિના અગાઉથી તે માટે કામે લાગી જાય છે. જે તે શેરીના યુવાનો પોતાની શેરીના હનુમાનજી મંદિરને અન્યોથી અલગ અને આકર્ષક બનાવવા જાતજાતની તરકીબો લડાવે છે.

દરેક શેરીના લોકો પોતાના હનુમાન મંદિરને અન્ય શેરીના મંદિર કરતાં જુદા તારવવા પ્રયત્ન કરે છે. કોઈએ શેરીમાં તારના આધારે ઊડતા હનુમાનજી બનાવ્યા હોય તો અન્ય શેરીમાં સુંદરકાંડનો કોઈ પ્રસંગ ઊભો કરાયો હોય. કોઈ જગ્યાએ છોકરાંઓ હનુમાનજીના માસ્ક પહેરીને કૂદકા મારતાં હોય તો ક્યાંક અશોકવાટિકામાં સીતા માતા સાથે વાત કરતા હનુમાનજીનાં પૂતળાં બનાવાયાં હોય. કશુંક નવું કરવાની સ્પર્ધા ઊભી થવાના કારણે યુવાનોની ક્રિએટિવિટી પણ આ સમયે બહાર આવે છે. મહિના અગાઉની મહેનત ચૈત્રી પૂર્ણિમાના દિવસે રંગ લાવે છે.

હનુમાનજીનાં મંદિરોની એ વખતની સજાવટ જોવા માટે આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ઉમટી પડે છે. સુરેન્દ્રનગર શહેર ઉપરાંત જિલ્લાનાં તાલુકામથકો વઢવાણ, મૂળી, સાયલા, ચોટીલા, ધ્રાંગધ્રા, હળવદ અને લખતરમાં પણ હનુમાનજીનાં મંદિરો જાણીતાં છે. જેમ કે, વઢવાણમાં કાનેટી હનુમાન, વાઘેલા રોડ પર આવેલા બાલા હનુમાન અને ગડિયા હનુમાન મુખ્ય છે. ચોટીલા શહેરમાં પંચમુખી હનુમાન, ભોલા હનુમાન, બટુક હનુમાન જાણીતા છે. ધ્રાંગધ્રામાં ભલા હનુમાન, રોકડિયા હનુમાન, કોંઢ હનુમાન અને નારીચાણા ગામના સ્વયંભૂ નારીચાણિયા હનુમાનજી પ્રસિદ્ધ છે.

લખતર શહેરમાં પાતાળિયા હનુમાન, સોલંકિયા હનુમાન અને હાઈવે પર આવેલા ગેથળા હનુમાનજી લોકોની આસ્થાનું કેન્દ્ર છે. હળવદમાં રાતકડી હનુમાન, જાગૃત હનુમાન, મોજીલા હનુમાનનાં મંદિર આવેલાં છે. સુરેન્દ્રનગર શહેર, તાલુકામથકો ઉપરાંત આસપાસનાં કેટલાંક ગામ સ્થાનિક હનુમાનજી મંદિરના કારણે જ જાણીતાં છે. જેમ કે, સુરેન્દ્રનગરથી આઠ કિમી. દૂર આવેલું લટુડા ગામ અહીં બિરાજમાન લટુડિયા હનુમાનજીના કારણે જાણીતું છે. અહીંથી થોડે દૂર આવેલું નારીચાણા ગામ સ્વયંભૂ નારીચાણિયા હનુમાનજીથી ઓળખાય છે.

અહીંથી થોડા કિલોમીટર દૂર ભદ્રેશી અને લટુડા ગામ વચ્ચે નિર્જન સીમમાં આવેલા રયાપર હનુમાનજીનું મંદિર જાણીતું છે. લોકવાયકા પ્રમાણે આ મંદિર આસપાસ સદીઓ અગાઉ રયાપર ગામ વસેલું હતું. જે કાળક્રમે નાશ પામ્યું. પણ રયાપર હનુમાનજીનું મંદિર અટલ રહ્યું. વર્ષો અગાઉનું મંદિર આજે પણ નિર્જન સીમની વચ્ચે પણ અડીખમ ઊભું છે. આજે પણ આ મંદિર આસપાસનાં ગામોના લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે.

સુરેન્દ્રનગર શહેરમાં આટલી મોટી સંખ્યામાં હનુમાનજીનાં મંદિરો હોવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. માત્ર સુરેન્દ્રનગર શહેરની આ વાત નથી. તમામ તાલુકાઓ અને કેટલાંક ગામોમાં પણ જાણીતાં હનુમાનજી મંદિરો કેમ અસ્તિત્વમાં આવ્યાં તેના કોઈ પુરાવા મળતા નથી. જૂની પેઢીના વડીલો પણ આ બાબતે ચોક્કસ કશી માહિતી આપી શકે તેમ નથી. આમ પણ શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર પડતી નથી.

નરેશ મકવાણા

You might also like