દીકરીને બચાવવા જતાં માતા સહિત ચાર ડૂબ્યાંઃ એકનું મોત

અમદાવાદ: સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમ નજીક પાણી ભરેલ ઊંડી ખાઇમાં એક બાળકી ખાબકતાં તેને બચાવવા પડેલ માતા સહિત ચાર જણા ડૂબી ગયા હતા, પરંતુ લોકોએ ત્રણને આબાદ બચાવી લીધા હતા. જ્યારે એકનું ડૂબી જવાથી મોત થયું હતું.

આ અંગેની વિગત એવી છે કે સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે રહેતા ધનાભાઇ સિંધવના પરિવારના સભ્યો ધોળી ધજા ડેમ નજીક આવેલ મેલડી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પરત આવતી વખતે દસ વર્ષીય પુત્રી અમિતાનો પગ લપસતાં તે પાણી ભરેલ ઊંડી ખાઇમાં ખાબકી હતી. આથી તેની માતા અને બે ભાઇઓ દીકરીને બચાવવા ખાઇમાં કૂદી પડ્યા હતા અને ચારેય ડૂબવા લાગ્યા હતા.

આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં તરવૈયાઓએ ભારે જહેમત બાદ બે પુત્ર અને તેની માતાને ડૂબતાં બચાવી લીધા હતા, પરંતુ દસ વર્ષીય બાળકીનું ડૂબી જવાથી મોત થયું હતું. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like