સુરત જેવા મહાનગરોને પણ આધુનિક યાતાયાત પરિવહન સેવાથી જોડીશું

અમદાવાદ: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે અમદાવાદ મેટ્રો રેલનું કાર્ય નિશ્ચિત સમયાવધિમાં આગામી ચાર જ વર્ષમાં પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આનંદીબહેને અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેકટના દ્વિતીય તબક્કાના ૧૯ કિ.મી.ના કામનું ભૂમિપૂજન સંપન્ન કર્યું હતું.

એપીએમસીથી મોટેરા સુધીના વિસ્તારને આ ફેઇઝમાં આવરી લેવાશે. મુખ્યમંત્રીએ મેટ્રો રેલ પ્રોજેકટ અમદાવાદ મહાનગરની શીકલ- સૂરત બદલનારો પ્રોજેકટ બનવાનો છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે ગુજરાતના આવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટને અગાઉની કેન્દ્ર સરકારે અવરોધવામાં કોઇ કસર છોડી ન હતી.

વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસન સંભાળતા જ નર્મદા યોજના, મેટ્રો જેવા પ્રોજેકટના અટકેલા કામોને ત્વરિત પરવાનગી આપી છે તેનો હર્ષ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જાપાનના સહયોગથી ૧૦૪૭૧ કરોડની જાયકાની લોન પણ નરેન્દ્ર મોદીના સફળ પ્રયાસોથી મેટ્રો રેલ પ્રોજેકટને મળી છે તે આ પ્રોજેકટમાં નવી ગતિ-ઝડપ લાવશે તેમ ગૌરવપૂર્વક જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ દિવસ-રાત ચહુદિશ વિસ્તરતા જતા અમદાવાદ મહાનગરના નાગરિકોને યાતાયાત સુવિધાનું સુગ્રથિત માળખું આપવાના હેતુથી બીઆરટીએસ, એએમટીએસ અને મેટ્રો રેલની ઇન્ટિગ્રેટેડ સુવિધાઓ વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે મેટ્રો રેલના ત્રીજા તબક્કામાં ગાંધીનગરને પણ સાંકળી લેવાના આયોજનની ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીએ શહેરીકરણના વ્યાપને પહોંચી વળવા અને નગર સુખાકારીના કામો આપવા પાણી પુરવઠાના કામ, રસ્તા- માર્ગોના કામ, નર્મદાના જળ પહોંચાડવાના કામોને અમે કરોડો રૂપિયાના આયોજન સાથે અગ્રતા આપી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આનંદીબહેને આ અવસરે રાજ્યના સુરત તથા અન્ય શહેરોને પણ બીઆરટીએસ જેવા આધુનિક પરિવહન યાતાયાત આયામોથી લાભાન્વિત કરવાનું કાર્ય આયોજન વિચારણામાં હોવાનું પણ ઉમેર્યું હતું.

તેમણે નગરજનોની સુવિધા સાથે જ આરોગ્ય તપાસણી અભિયાનની વિશદ્ છણાવટ કરતાં માતા-બહેનો માટે સર્વાઇકલ બ્રેસ્ટ કેન્સર પરીક્ષણ નિદાન સારવારના રાજ્ય સરકારના સેવા અભિગમનો લાભ જરૂરતમંદ બહેનો લે તેવી હાર્દભરી અપીલ કરી હતી.

અમદાવાદને મેટ્રો રેલની ભેટ આપનારા વડાપ્રધાનના ક્લિન ઇન્ડિયાના સંકલ્પને પાર પાડવા પ્રત્યેક અમદાવાદી સ્વચ્છતા દ્વારા ક્લિન અમદાવાદની ભેટ આપે અને સ્વચ્છ ભારતમાં સૂર પૂરાવે તેવો અનુરોધ આનંદીબહેને કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ નીતીનભાઇ, સૌરભભાઇ, શંકરભાઇ, પ્રદિપસિંહ, સાંસદ ડૉ. સોલંકી, અમદાવાદનાં મેયર ગૌતમ શાહ અને ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રારંભમાં મેટ્રોના એમ.ડી. ગૌતમે સોને આવકારતાં સમગ્ર પ્રોજેકટની ભૂમિકા આપી હતી.

You might also like