સુરતમાં ફાસ્ટ ફૂડની લારી સાફ કરતા વીજ કરંટથી ત્રણનાં મોત

સુરતઃ શહેરનાં ડિંડોલી વિસ્તારમાં ખરવાસા રોડ પર ઉમિયા ફાસ્ટફૂડ નામની લારી પર વીજ કરંટ લાગતાં ત્રણ રાજસ્થાની યુવાનોનાં મોત થયાં હતાં. નાસ્તાની લારી બંધ કરતી વખતે પાણીથી સફાઈ દરમિયાન તેઓને કરંટ લાગ્યો હતો. મૃતકમાં એક યુવક બાજુમાં આવેલી સોડાની લારી પર કામ કરતો હતો અને ત્યાં આવ્યો ત્યારે તેને વીજ કરંટ લાગ્યો હતો.

આ અંગેની સમગ્ર વિગત એવી છે કે સુરતનાં ડિંડોલી વિસ્તારમાં આવેલા કૈલાસ રેસીડન્સી પાસે ગણેશ રાવત અને રાજુ જાટ નામનાં બે યુવકો ઉમિયા ફાસ્ટફૂડ નામની લારી પર કામ કરતાં હતાં. રવિવારે મોડી રાતે લારી બંધ કરતી વખતે સફાઈનું કામ ચાલતું હતું. તેમને ત્યાં નજીકમાં સોડાની દુકાન પર કામ કરતાં શિવા નામનાં યુવકને પણ આ દરમ્યાન બોલાવી લીધો હતો.

સફાઈ કરતી વખતે અચાનક જ પાણીમાં વીજ કરંટ લાગતાં ત્રણેય યુવકોનાં સ્થળ પર જ મૃત્યુ થયાં હતાં. આ ત્રણેય યુવકો મૂળ રાજસ્થાનનાં વતની છે. આ ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાઇ હતી. જો કે ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.

ડિંડોલી પોલીસનો કાફલો પણ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ડિંડોલી પોલીસે ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ત્રણેય યુવકોની લાશને પી.એમ. માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. પોલીસે ઘટના કઇ રીતે બની તે અંગેની પણ તપાસ શરૂ કરી દીધી છે.

You might also like