સુરતમાં એક રાતમાં 3 વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ, ઘટના CCTVમાં કેદ

સુરતઃ શહેરનાં હીરાબાગ વિસ્તારમાં આવેલા સહજાનંદ કોમ્પ્લેક્સમાં એક સાથે ત્રણ દુકાનોનાં તાળા તૂટ્યાં છે. મંગળવારે રાત્રે ચોરોએ ત્રણ દુકાનોને નિશાન બનાવી હતી. શટર તોડીને ચોર દુકાનની અંદર પ્રવેશ્યાં હતાં.

વિશ્વનાથ ટ્રાવેલ્સની ઓફિસમાંથી 1 લાખ 57 હજાર રૂપિયા રોકડા, એમ ટુ એમ નામની કપડાંની દુકાનમાંથી 4 હજાર રૂપિયાની શખ્સોએ ચોરી કરી હતી. જ્યારે નીલકંઠ બેટરીની દુકાનમાં ચોરી કરવામાં ચોર નિષ્ફળ રહ્યાં હતાં. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ ગઇ હતી. એક કોમ્પ્લેક્સમાં એક રાતમાં ત્રણ દુકાન તુટતા પોલીસનાં પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉભા થયાં છે.

સુરતનાં ભેસ્તાનમાં પણ ચોરીઃ
સુરતનાં ભેસ્તાન વિસ્તારમાંથી પણ એક મહિલા ચોર ઝડપાઇ હતી. કામવાળી બનીને ચોરી કરવા આવેલી મહિલા ઝડપાઈ ગઇ હતી. મકાન માલિકે CCTVને આધારે આ મહિલાને ઝડપી પાડી હતી. રામેશ્વર સોસાયટીમાં ચોરી કરતી મહિલા CCTVમાં કેદ થઇ ગઇ હતી. 6 મહિના પહેલા પણ ચોરી કરતા સમયે આ મહિલા CCTVમાં કેદ થઇ હતી. જો કે પાંડેસરા પોલીસે મહિલાની ધરપકડ કરીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરતનાં પાંડેસરામાં મોબાઇલની દુકાનો કરાઇ ટાર્ગેટઃ
સુરતનાં પાંડેસરા વિસ્તારમાં પણ તસ્કરોએ ભારે તરખાટ મચાવી દીધો છે. મોબાઈલની દુકાનને તસ્કરોએ બીજી વાર નિશાન બનાવી છે. રૂ.4 લાખનાં મોબાઈલની ચોરી કરીને તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયાં છે.

ચોરી કરવા આવેલ 2 ચોરો CCTVમાં પણ કેદ થયાં છે. જેમાં CCTVમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો કે, તસ્કરોએ દુકાનમાં આવતા પહેલાં CCTVની તોડફોડ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like