સુરતમાં સિલ્ક ઉદ્યોગની વિગતો જ ઉપલબ્ધ નથી!

કોટન હેન્ડલુમને પ્રમોટ કરી રહેલાં કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીએ સુરતની મુલાકાત વખતે અહીંના કાપડ ઉદ્યોગ માટે ‘પહેલાં રિસર્ચ કરો’ નું સૂચન કર્યું હતુંં. સુરત એ કાપડ ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે. અહીં અનેક પાવર લૂમ્સ, ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ, ટેક્સ્ટાઈલ માર્કેટ આવેલાં છે અને લાખો લોકો આ ઉદ્યોગ દ્વારા રોજગારી મેળવી રહ્યાં છે. જોકે સુરતના આ ધમધમતા કારોબાર અંગે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. દેશનાં કાપડ મંત્રી  સ્મૃતિ ઇરાની સુરતની મુલાકાતે આવ્યાં ત્યારે તેમણે કાપડના વેપારીઓ અને ઉદ્યોગકારોની એક સભામાં ‘સુરતના કાપડ ઉદ્યોગ અંગેના અહેવાલો અને માર્કેટ વચ્ચે મેળ બેસતો નથી’ તેવી ટિપ્પણી કરી હતી. નિવેદનથી સમસમી ઊઠેલા ચેમ્બરના હોદ્દેદારોએ તરજ સ્ટેજ પરથી જ જવાબ આપ્યો હતો કે અમે સુરતમાં એક ટેક્સ્ટાઇલ યુનિવર્સિટી બનાવી રહ્યા છીએ.

ટેક્સ્ટાઈલ મંત્રીની ટિપ્પણી પછી ‘અભિયાને’ તેના પાછળની સત્યતા ચકાસવાનો પ્રયત્ન કર્યો અને એ જાણવા પ્રયત્ન કર્યો કે શું કાપડ સેક્ટરના પ્રાથમિક આંકડા પણ કોઇ સંસ્થા પાસે મળે ખરા? જોકે તેમાં નિરાશા મળી. લેટેસ્ટ આંકડા જાણવાનો પ્રયત્ન કર્યો તો પણ કોઇ બતાવી ન શક્યું.

સુરતના ટેક્સટાઇલ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પૂછવામાં આવે કે સુરતમાં રોજ કેટલું ઉત્પાદન થાય તો શક્ય છે કે છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલતા એકના એક આંકડા બતાવવામાં આવે. જો એવું પૂછવામાં આવે કે કાપડ માર્કેટમાં દુકાનો કેટલી તો છે તો તેનો જવાબ પણ અંદાજિત જ મળશે. સુરત સિલ્કસિટી તરીકે છેલ્લાં ૫૦ વર્ષમાં દુનિયાભરમાં જાણીતું બન્યું છે, પરંતુ એક પણ સંસ્થા એવી નથી જે યોગ્ય આંકડા કે યોગ્ય જવાબ આપી શકે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે માહિતીનો અભાવ
કોઈ પણ જિલ્લામાં ઉદ્યોગો અંગે પ્રમાણિત માહિતી જોઇતી હોય તો સ્વાભાવિક છે કોઇ પણ વ્યક્તિ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેથી મેળવી શકે. સુરતમાં કાપડના ઉદ્યોગો કેટલા છે તે જાણવા માટે સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર રાજેશભાઇ ચાવડાનો સંપર્ક કરાયો ત્યારે તેમણે પોતાના તાબા હેઠળના અધિકારીને બોલાવીને કહ્યું કે, “શહેરમાં કોઇ મંત્રી આવે ત્યારે આપણે જે માહિતી આપીએ છીએ તે કાગળની નકલ મોકલાવો.” બે ત્રણ વાર જુદા જુદા કાગળોની નકલો તેમના ચેમ્બરમાં આવી ખરી પરંતુ તેમાં બીજી કોઇ માહિતી જ ન હતી. આખરે તેમણે કહ્યું કે, “ઉદ્યોગોનું રજિસ્ટ્રેશનથી લઇને બધી બાબતો ઓનલાઇન થઇ ગઇ છે, એટલે તેમની પાસે કોઇ માહિતી નથી. છતાં હાલમાં રાજ્ય સરકારે ડેટા ભેગો કરવા એક એજન્સી રોકી છે. આ એજન્સી પાસેથી માહિતી મળશે તો આપી શકીશુંં.” એક કલાક સુધી રાહ જોયા પછીય તેમનો સ્ટાફ નકલ શોધી શક્યો નહીં.

ફેડરેશનના પ્રમુખનો જવાબ અંદાજિત
શહેરમાં કાપડ વેપારીઓના ફેડરેશન ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલને સુરતમાં કાપડની માર્કેટ કેટલી અને દુકાનો કેટલી તેનો કોઇ ચોક્કસ ડેટા ખરો? એ અંગે પૂછતા તેમણે તરત જ કહ્યું કે, “૧૬૫ માર્કેટ છે અને ૧ લાખ ૬૫ હજાર જેટલી દુકાનો છે.” આ આંકડો કોઇ સરવૅના આધારે છે? તેના જવાબમાં તેઓ કહે છે, “કોઇ સરવૅ તો નથી કરાયો પરંતુ થોડાં વર્ષ અગાઉ ૧૫૦ માર્કેટ્સ હતાં અને છેલ્લાં પાંચ વર્ષમાં વધ્યાં છે એટલે આ આંકડો સાચો જ છે.” આ અંગે સાંસદ સી. આર. પાટીલ કહે છે, “ઉત્પાદનનો આંકડો એક્સાઇઝ વિભાગ આપી શકશે. તથા માર્કેટ્સ અંગે ફેડરેશને સરવૅ કર્યો હોવાથી ત્યાંથી પણ મળી જશે.” જોકે કોઇ સાચો આંકડો કહી શકતું નથી. માર્કેટમાં ઉઠમણાંના બનાવો વધવાને કારણે પોલીસે પણ પ્રયત્ન કરી જોયો કે તમામનું રજિસ્ટ્રેશન ફરજિયાતપણે થાય અને પોલીસને માહિતી આપવામાં આવે પરંતુ તે કોઇ પણ કારણે શક્ય બનતું નથી. આ અંગે ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ બી.એસ.અગ્રવાલ કહે છે, “સુરતમાં ટેક્સ્ટાઇલ યુનિવર્સિટી બની ગયા પછી આ બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે.”

સંશોધન કરનારાઓને પણ મુશ્કેલી
શહેરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર કે અન્ય વિભાગો દ્વારા અહીંનાં જુદાં જુદાં સેક્ટર પર જ્યારે સંશોધન કરાય છે ત્યારે તેમને પણ ડેટા મેળવવામાં ભારે તકલીફ પડે છે. કોઇ પણ જગ્યાએથી માહિતી મળતી નથી. અર્થશાસ્ત્ર વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. ગૌરાંગ રામી કહે છે, “તેમના એક વિદ્યાર્થીએ હાલમાં જ ઉદ્યોગો પર સંશોધન કર્યું. તેણે માહિતી મેળવવા માટે આરટીઆઈનો સહારો લેવો પડ્યો. સીધી રીતે કોઇ માહિતી આપતું નથી.”

સુરતનો કાપડ ઉદ્યોગ મોટો છે, ત્યારે તેની તમામ વિગતોનો સાચો આંકડો ઉપલબ્ધ હોય તો ઉઠમણાં જેવા મુશ્કેલ કે દુર્ઘટના સમયે નુકસાનનો ચોક્કસ તાળો મેળવી શકાય. જોકે મોટાભાગના વેપારીઓ કોઈ પણ કારણસર ઘણીબધી માહિતી છુપાવતા હોય છે. સરકારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો પાસે સાચી માહિતી ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ તેવી માગ પણ ઊઠી રહી છે.

મોઘલ કાળથી સુરત કાપડનું મોટું કેન્દ્ર છે
છેક મોઘલ કાળથી સુરત કાપડનું મોટું બજાર રહ્યું છે. તે સમયે સુરત દેશનું આર્થિક પાટનગર હતું. મુંબઇ પાછળથી વિકસ્યું. દુનિયાભરમાંથી વેપારીઓ સુરત વેપાર કરવા માટે આવતા. દેશભરમાંથી કોટન ટેક્સ્ટાઇલ સુરતમાં ઊતરતું અને દુનિયાભરમાં એક્સપોર્ટ થતું. ખાસ કરીને યુરોપમાં તેની ઊંચી માગ હતા. સુરત સિલ્ક માટે પણ ફેમસ હતું. સ્થાનિક લોકો કિનખાબ નામનું કાપડ બનાવતા જે રાજા-મહારાજાઓનાં કપડાં અને પાઘડી બનાવવા માટે ખાસ વપરાતું. લોકોનાં ઘરોમાં જ હેન્ડલુમ હતા, જ્યાં પરિવારના સભ્યો જ કાપડ બનાવતા. સુરતનું હેન્ડલુમથી બનેલું સિલ્ક પણ વખણાતું હતું. લગભગ ૧૯૨૫ પછી આ સેક્ટરમાં મોર્ડનાઇઝેશન થવા લાગ્યું. અહીં કોટન મિલોમાંથી જૂનાં મશીનો લાવીને તેમાં ફેરફાર કરીને પાવરલૂમ મશીનો નાખવાની શરૂઆત થઈ અને ઉત્પાદન વધવા લાગ્યું. તે સમયે લગભગ ૧૫૦૦ જેટલા પાવરલૂમ્સ હતા, જે સંખ્યા વધીને આજે ૫ાંચ લાખ જેટલી થઇ છે.

બીજા વિશ્વયુદ્ધ પછી પચાસના દાયકામાં જાપાનથી મશીનો અને રો-મટીરિયલ મગાવીને આર્ટ સિલ્ક બનાવવાનું શરૂ થયું એ સુરતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના વિકાસમાં મહત્ત્વનો તબક્કો હતો. બાદમાં સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનની સ્થાપના કરાઇ અને સુરતનું સૌથી ઊંચુ બિલ્ડિંગ રેશમ ભવન તૈયાર કરાયું. ૧૯૬૦ પછી જાપાનથી જ નાયલોન કાચા માલ તરીકે સુરતમાં આવવા લાગ્યું અને ટેક્સ્ટાઇલ માર્કેટ્સનો વ્યાપ પણ વધતો ગયો. આજે દેશનું ૯૦ ટકા પોલિએસ્ટર સુરતમાં બને છે. સુરત સાડીઓ-ડ્રેસ મટીરિયલ્સનું સૌથી મોટું સેન્ટર છે. ઉપરાંત હાલમાં કેટલાક નવાં સેક્ટર્સ પણ ડેવલપ થયાં છે, જેમાં ટેક્નિકલ ટેક્સ્ટાઈલનું સેક્ટર વિકસી રહ્યું છે. રસ્તા બનાવવામાં પથરાતાં અને બીજા ખાસ પ્રકારનાં ફેબ્રિક્સ તૈયાર થાય છે. એમ્બ્રોઇડરી સેક્ટર પણ ઝડપથી વિકસ્યું છે, જેથી સુરતમાં ડિઝાઇનર સાડીઓ અને ડ્રેસ મટીરિયલ્સ તૈયાર થવા લાગ્યાં.

આમ છતાં સુરતમાંથી સાડીઓ અને ડ્રેસીસની એકાદ-બેથી વધુ કોઈ મોટી બ્રાન્ડ ઊભી થઇ નહોતી. ભારતીય નારીના પરંપરાગત પોશાક સાડીને ટકાવી રાખવામાં સુરતનું મોટું યોગદાન રહ્યું છે. જોકે, સુરત કાપડ ઉદ્યોગના વિકાસમાં સરકારનો કોઈ ફાળો નથી. સરકાર તરફથી નહીંવત્ મદદ મળતી હોવાની ફરિયાદ વેપારીઓ સતત કરે છે. સુરત નજીક સચીન ખાતે એસઇઝેડ તૈયાર કરાયું છે, પરંતુ તેનો કોઇ ખાસ ફાયદો થયો નથી. મોંઘો પાવર, આંતરમાળખાકીય સવલતો, ઇન્ટનેશનલ એરપોર્ટનો અભાવ જેવી મુશ્કેલીઓથી કાપડ ઉદ્યોગ ક્ષમતા મુજબ વિકાસ કરી શકતો નથી.

અંદાજિત આંકડા શું કહે છે?
૬ લાખ       પાવરલૂમ્સ યુનિટ
૪૦૦         ડાઇંગ-પ્રિન્ટિંગ મિલ્સ
૮૦૦૦       કરોડ રૂપિયાના યાર્નનો વાર્ષિક વપરાશ
૩૦,૦૦૦   કરોડ રૂપિયાનું વર્ષે કાપડ તૈયાર થાય છે
૧૩            લાખ લોકો રોજગારી મેળવે છે
૬૫૦         ટેક્સ્ટાઈલ માર્કેટ્સ
૧.૬૫        લાખ દુકાનો
(આ આંકડામાં દક્ષિણ ગુજરાતનાં નાનાં સેન્ટર્સનો પણ સમાવેશ કરાયો છે)

You might also like